VIDEO: AI અને જીપીએસથી સજ્જ ‘ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર’નું લોકાર્પણ, પ્રદૂષણ મુક્ત દિલ્હી તરફ મોટું પગલું
દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સમસ્યા સામે લડવા માટે દિલ્હી સરકારે ટેક્નોલોજી આધારિત મોટો નિર્ણય લીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શહેરને પ્રદૂષણમુક્ત બનાવવાના હેતુથી અદ્યતન ‘ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર’ (ICCC)નું ઉદ્ઘાટન કર્યું છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હી સરકાર છેલ્લા ૧૮ મહિનાથી પ્રદૂષણ નિયંત્રણ માટે સતત અને સઘન કામગીરી કરી રહી છે. આ નવું કંટ્રોલ સેન્ટર તે દિશામાં લેવાયેલું એક સીમાચિહ્નરૂપ પગલું છે. હવે આખી દિલ્હી પ્રદૂષણના સ્ત્રોતોને ડામવા માટે ૨૪ કલાક ડિજિટલ સર્વેલન્સ હેઠળ રહેશે.
કંટ્રોલ સેન્ટરની મુખ્ય વિશેષતાઓ
500 ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતી કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત કેમેરા લગાવવામાં આવશે, જેથી ધૂળ અને બાંધકામ સંબંધિત પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન અટકાવી શકાય. રસ્તાઓની સફાઈ કરતી મિકેનિકલ સ્વીપિંગ મશીનરી અને પ્રદૂષણ નિયંત્રણ ટાવર્સની કામગીરી પર GPS દ્વારા સીધી નજર રાખવામાં આવશે.
સમગ્ર શહેરમાં પ્રદૂષણ ફેલાવતા સ્ત્રોતો અને નિયંત્રણના પગલાંઓનું રિયલ-ટાઇમ મોનિટરિંગ થશે, જેથી ત્વરિત કાર્યવાહી શક્ય બને. સરકારના આ આધુનિક પગલાથી દિલ્હીના વાતાવરણમાં સુધારો થશે અને પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

