ભાજપ મુદ્દે કેજરીવાલે RSSને લખ્યો પત્ર, મોહન ભાગવત સામે ઉઠાવ્યા સવાલ

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટીને ઘેરવા માટે RSSના વડા મોહન ભાગવતને ચિઠ્ઠી લખી છે. કેજરીવાલે પત્ર થકી મોહનભાગવતને અનેક સવાલો કર્યા છે. કેજરીવાલે ભાજપ પર અનેક આરોપો લગાવ્યા છે અને પૂછ્યું છે કે શું ભાજપે ભૂતકાળમાં જે પણ ખોટું કર્યું છે તેને આરએસએસ સમર્થન આપે છે?
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ આરએસએસ ચીફને ભાજપ મુદ્દે ઘણા સવાલો પૂછ્યા છે. ભાજપ પર પૈસાની વહેંચણી, દલિતો, પૂર્વાંચલીઓના મત કાપવાનો અને લોકશાહીને નબળી કરવાનો આરોપ લગાવતા તેમણે મોહન ભાગવતને પૂછ્યું કે, શું આ મુદ્દાઓ પર ભાજપને આરએસએસનું સમર્થન છે? કેજરીવાલે પૂછ્યું કે શું ભાજપે ભૂતકાળમાં જે પણ ખોટું કર્યું છે તેને આરએસએસ સમર્થન આપે છે?
અરવિંદ કેજરીવાલે લખ્યું, 'ભાજપના નેતાઓ ખુલ્લેઆમ પૈસા વહેંચી રહ્યા છે, શું RSS વોટ ખરીદવાની બાબતને સમર્થન કરે છે? દલિત, પૂર્વાંચલીના મતો મોટા પાયે કાપવામાં આવી રહ્યા છે? શું આરએસએસને નથી લાગતું કે, ભાજપ લોકતંત્રને નબળું પાડી રહ્યું છે?
અરવિંદ કેજરીવાલે ત્રણ મહિના પહેલા મોહન ભાગવતને પત્ર પણ લખ્યો હતો. ત્યારબાદ તેમણે પીએમ મોદીની નિવૃત્તિ સહિત પાંચ મુદ્દાઓ પર પ્રશ્નો પૂછ્યા. ત્યારબાદ તેમણે ભાજપ અને આરએસએસ વચ્ચેના સંબંધો પર પણ સવાલો ઉઠાવ્યા હતા, ભાજપ પર અન્ય પક્ષોના નેતાઓને તોડવાનો અને ભ્રષ્ટ નેતાઓને ભાજપમાં જોડાવા દેવાનો આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે મોહન ભાગવતને વધુ એક પત્ર એવા સમયે લખ્યો છે જ્યારે દિલ્હીમાં ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ શકે છે.

