લિકર પોલિસી કેસ : ધરપકડ અને રિમાન્ડ વિરૂદ્ધ કેજરીવાલે હાઈકોર્ટમાં કરી અરજી

લિકર પોલિસી કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. ત્યારે હવે આ સમગ્ર મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કેજરીવાલના વકીલે ઈડી દ્વારા કરાયેલી ધરપકડને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી છે. અને તાત્કાલિક સુનાવણીની માગ કરી છે.
ઈડીએ શુક્રવારે દલીલ રજુ કરી હતી કે, કેજરીવાલની દિલ્હી લિકર પોલિસી તૈયાર કરવામાં સીધી સંડોવણી છે અને બે વખત રોકડ ટ્રાન્સફર કરાયા છે. પહેલા 10 કરોડ અને પછી 15 કરોડ રૂપિયા અપાયા છે. મુખ્યમંત્રીએ આ રકમ ગોવા અને પંજાબની ચૂંટણી માટે ફંડ માટે ટ્રાન્સફર કરી છે. તેમણે કેસ સંબંધીત ઘણા ઈલેક્ટ્રોનિક પુરાવાઓનો નાશ કર્યો છે. કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સામે લીકર પોલિસી દ્વારા 600 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. ઈડી તરફથી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) રાજુએ તો કેજરીવાલ તરફથી વકીલો અભિષેક મનુ સિંઘવી, વિક્રમ ચૌધરી અને રમેશ ગુપ્તાએ દલીલો રજૂ કરી હતી.
કેજરીવાલ 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર
ઉલ્લેખનીય છે કે, દિલ્હી લીકર પોલિસી કેસમાં ગુરૂવારે સાંજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ બાદ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ ધરપકડ કરી હતી. ત્યારે આજે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં તેમણે તપાસ એજન્સીએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે 6 દિવસના 28 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

