Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Karnataka Congress is in a state of chaos, angry ministers are back in Delhi court

કર્ણાટક કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ..., નારાજ મંત્રીઓ ફરી દિલ્હી દરબારમાં

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
કર્ણાટક કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ..., નારાજ મંત્રીઓ ફરી દિલ્હી દરબારમાં
સોર્સ : gstv

 કર્ણાટકના મુખ્યમંત્રી ડિકે શિવકુમારે વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીનો વિવાદ ઉકેલાઈ ગયો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તેના ગણતરીના દિવસોમાં જ કોંગ્રેસ સરકારનો આંતરિક અસંતોષ ફરી બહાર આવ્યો છે. ખાતાઓની ફાળવણીથી નારાજ બે વરિષ્ઠ નેતાઓ પક્ષના હાઇકમાન્ડને મળવા માટે દિલ્હી પહોંચી ગયા છે. આ નેતાઓમાં બેંગલુરુ વિકાસ મંત્રી ક્રિષ્ના બાયરે ગૌડા સામેલ છે, જેમણે મંત્રાલય મળ્યું હોવા છતાં હજુ સુધી સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો નથી. તેમની સાથે કોંગ્રેસના ધારાસભ્ય રિઝવાન અર્શદ પણ દિલ્હી ગયા છે, જેઓ મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે દબાણ કરી રહ્યા છે. નેતાઓની આ દિલ્હી દોડથી સ્પષ્ટ થાય છે કે કર્ણાટકમાં મંત્રીપદ અને ખાતાઓની વહેંચણીનો મામલો હજુ પૂરો થયો નથી.

App Store

ક્રિષ્ના બાયરે ગૌડાની વધુ સત્તા માટે દબાણની વ્યૂહનીતિ

સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રિષ્ના બાયરે ગૌડા પક્ષના નેતૃત્વ પર દબાણ લાવી રહ્યા છે કે બેંગલુરુ ડેવલપમેન્ટ ઑથોરિટી(BDA) અને બેંગલુરુ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી(BMRDA) બંને મહત્ત્વની એજન્સીઓને તેમના બેંગલુરુ વિકાસ મંત્રાલય હેઠળ જ રાખવામાં આવે. મંત્રીનું માનવું છે કે બેંગલુરુ અને તેની આસપાસના વિસ્તારોના પ્લાનિંગ અને વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવતી આ બે સંસ્થાઓ પર જો તેમનું નિયંત્રણ નહીં હોય, તો તેમના મંત્રાલયની સત્તા ખૂબ મર્યાદિત રહી જશે. તેમની આ દિલ્હી મુલાકાતને પગલે નવી કેબિનેટની રચના બાદ જાહેર કરાયેલા ખાતાઓમાં ફેરફાર થવાની અટકળો તેજ થઈ છે.

કેબિનેટ મંત્રી બનવા રિઝવાન અર્શદની દિલ્હી દોડ

આ જ રાજકીય હલચલ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય રિઝવાન અર્શદ પણ કેબિનેટમાં મંત્રીપદ મેળવવાની પોતાની ઇચ્છા સાથે દિલ્હીમાં પડાવ નાખીને બેઠા છે. એક તરફ મંત્રીઓ વધુ પાવર માંગી રહ્યા છે અને બીજી તરફ ધારાસભ્યો મંત્રી બનવા દોડધામ કરી રહ્યા છે. આ સમાંતર આકાંક્ષાઓ દર્શાવે છે કે સરકારની રચના છતાં નેતાઓના અસંતોષનું કોઈ કાયમી સોલ્યુશન આવ્યું નથી. વહીવટીતંત્રને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહેલા મુખ્યમંત્રી શિવકુમાર સામે આ નવી આંતરિક સમસ્યાઓ મોટો પડકાર બનીને ઊભી થઈ છે.

આ નવો વિવાદ એવા સમયે આવ્યો છે જ્યારે હજુ ગયા અઠવાડિયે જ મુખ્યમંત્રી શિવકુમારે વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડી સાથેનો મોટો વિવાદ માંડ-માંડ થાળે પાડ્યો હતો. રામલિંગા રેડ્ડીએ અગાઉ મેજર ઍન્ડ મીડિયમ ઇરિગેશન(સિંચાઈ) મંત્રાલયમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમનો આક્ષેપ હતો કે સરકારની રચના પહેલા તેમને બેંગલુરુ વિકાસ મંત્રાલય આપવાનું જે વચન આપવામાં આવ્યું હતું, તેનું પાલન કરવામાં આવ્યું નથી. રેડ્ડી જાહેરમાં મક્કમ હતા કે તેમને માત્ર બેંગલુરુ વિકાસ વિભાગ જ જોઈએ છે. જોકે, આ ખાતું ક્રિષ્ના બાયરે ગૌડાને ફાળવી દેવાતા શિવકુમાર સરકારની પહેલી મોટી કસોટી થઈ હતી.

શિવકુમારનો દાવો: 'આ પરિવારનો આંતરિક મામલો'

ડિકે શિવકુમાર અને રામલિંગા રેડ્ડી વચ્ચે મોડી રાત સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ આ કટોકટીનો અંત આવ્યો હતો. બેઠક પછી શિવકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે, 'રામલિંગા રેડ્ડી મારા મિત્ર છે. બધી સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે, હવે જૂની વાતોને કચડી નાખો અને રાજીનામાનો મુદ્દો પૂરો થઈ ગયો છે.' તેમણે આને પરિવારનો આંતરિક મામલો ગણાવ્યો હતો અને રેડ્ડીએ પણ આ વાતને ટેકો આપ્યો હતો. પરંતુ હવે જે રીતે અન્ય નેતાઓ દિલ્હી તરફ દોડ્યા છે તે જોતાં સ્પષ્ટ થાય છે કે માત્ર એક નેતાને મનાવી લેવાથી અસંતોષ દૂર થતો નથી. નેતાઓની અપેક્ષાઓ સંતોષવી અને સરકારમાં સંતુલન જાળવવું એ કોંગ્રેસ હાઇકમાન્ડ માટે આગામી સમયમાં સૌથી માથાનો દુખાવો સાબિત થશે.