Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : JPC report on Waqf Amendment Bill to be presented in Parliament tomorrow

આવતીકાલે સંસદમાં રજૂ કરાશે વકફ સુધારા બિલનો JPCનો રિપોર્ટ

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2025
લાઇવ ટીવીGoogle News
આવતીકાલે સંસદમાં રજૂ કરાશે વકફ સુધારા બિલનો JPCનો રિપોર્ટ

લાંબા સમય સુધી ચર્ચામાં રહેલા વક્ફ (સુધારા) બિલ-2024 અંગે એક મહત્ત્વનું અપડેટ સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બિલની સમીક્ષા અંગે રચવામાં આવેલી સંસદની સંયુક્ત સમિતિ (JPC)નો રિપોર્ટ આવતીકાલે (13 ફેબ્રુઆરી) સંસદમાં રજૂ કરવામાં આવશે. પહેલી ફેબ્રુઆરીએ બિલ લોકસભામાં રજૂ કરાયું હતું. ત્યારબાદ ત્રીજી ફેબ્રુઆરીએ JPCનો રિપોર્ટ રજુ કરવાનો હતો, પરંતુ તેને મોકૂફ રખાયો હતો. જેપીસી પ્રમુખ જગદંબિકા પાલે કહ્યું કે, જ્યારે લોકસભા સ્પીકર તેને એજન્ડામાં મૂકશે ત્યારે અમે તેને રજૂ કરીશું.

App Store

ડ્રાફ્ટ કાયદા પરના રિપોર્ટને 15-11 બહુમતીથી સ્વીકાર્યો

સમિતિએ બુધવારે (એક ફેબ્રુઆરી) બહુમતીથી રિપોર્ટનો સ્વીકાર કરી લીધો હતો, જેમાં શાસક ભારતીય જનતા પાર્ટીના સભ્યો દ્વારા સૂચવેલા સુધારાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિપક્ષે આ પ્રક્રિયાને વક્ફ બોર્ડને નષ્ટ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. બિલ પર સંસદની સંયુક્ત સમિતિએ ડ્રાફ્ટ કાયદા પરના રિપોર્ટને 15-11 બહુમતીથી સ્વીકાર્યો હતો. વિપક્ષી સભ્યોએ JPCના રિપોર્ટ સાથે અસહમતિ દર્શાવી હતી. ભાજપના સભ્યોએ ભારપૂર્વ કહ્યું છે કે, ગયા વર્ષે ઓગસ્ટમાં લોકસભામાં રજૂ કરાયેલા આ બિલમાં વકફ મિલકતોના સંચાલનમાં આધુનિકતા, પારદર્શિતા અને જવાબદારીની જોગવાઈ છે. બીજી તરફ, વિપક્ષે તેને મુસ્લિમ સમુદાયના બંધારણીય અધિકારો પર હુમલો અને વક્ફ બોર્ડના કામકાજમાં દખલગીરી કરવાનો આરોપ મૂક્યો હતો. 

આપણને ચૂપ કરવા માટે આ બધું કેમ કરવામાં આવી રહ્યું છે?

અગાઉ કોંગ્રેસના સાંસદ સૈયદ નસીર હુસૈને કહ્યું કે, તેમણે અસંમતિ પત્ર આપ્યો હતો, જેને હટાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં વિપક્ષના અવાજને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, 'મારી જાણ વગર અસંમતિ નોંધ દૂર કરવામાં આવી હતી. વકફ બિલ પર રચવામાં આવેલી સંયુક્ત સમિતિની પહેલેથી જ મજાક ઉડાવવામાં આવી હતી. હવે વિપક્ષી સાંસદોને પણ બાજુ પર મૂકી દેવામાં આવ્યા છે. આપણને ચૂપ કરવા માટે આ બધું કેમ કરવામાં આવી રહ્યું છે?

મારી જાણ બહાર મારી નોંધોના કેટલાક ભાગોમાં ફેરફાર કરાયા 

અસદુદ્દીન ઓવૈસીએ પણ અગાઉ આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'બિલ પર સંયુક્ત સમિતિના રિપોર્ટ પર તેમની વિગતવાર અસંમતિ નોંધ સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે તેમની જાણ વગર કાઢી નાખી હતી. સમિતિના સભ્ય ઓવૈસીએ આ અહેવાલ પર 231 પાનાની અસંમતિ નોંધ આપી હતી. ઓવૈસીએ 'X' પર લખ્યું કે, 'મેં વક્ફ સુધારા બિલ વિરુદ્ધ સંયુક્ત સમિતિને વિગતવાર અસંમતિ નોંધ સુપરત કરી હતી. તેમજ મારી જાણ બહાર જ મારી નોંધોના કેટલાક ભાગોમાં ફેરફાર કરવામાં આવ્યા તે આઘાતજનક છે. હટાવી દેવામાં આવેલા નોંધ વિવાદાસ્પદ નહોતા; તેમાં ફક્ત હકીકતો બતાવવામાં આવી હતી.