જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતા ભારે વિનાશ, 40થી વધુ લોકોના મોત; 100થી વધુ ઘાયલ
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. ચશોતી ગામમાં વાદળ ફાટતા અત્યાર સુધી 40થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકઆંક વધી શકે છે. ઘટનાસ્થળે બચાવ અન રાહત કાર્ય ચાલુ છે. NDRFની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. આ ઘટનાને લઇને રાષ્ટ્રપતિથી લઇને વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું છે.
વ્હાઇટ નાઇટ કૉર્પ્સના જવાન પણ બચાવકામમાં જોડાયા
કિશ્તવાડના ચિશોતી ગામમાં વાદળ ફાટ્યા બાદ સેનાના વ્હાઇટ નાઇટ કૉર્પ્સના જવાન પણ બચાવ અને રાહત કામમાં જોડાયા છે. આ જવાનો ગાયબ થયેલા લોકોની તપાસ કરી રહ્યાં છે.
જમ્મુમાં વાદળ ફાટતા મોટું નુકસાન
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં મચૈલ માતા મંદિર પાસે વાદળ ફાટતા 40થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકોનું રેસક્યૂ કરીને તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના હિમાલય સ્થિત માતા ચંદીના મંદિરની યાત્રા દરમિયાન ચિશોતી વિસ્તારમાં બની હતી. ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ દળ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ અભિયાન શરૂ કર્યું હતું.
રાષ્ટ્રપતિ-વડાપ્રધાને પણ દુ:ખ વ્યક્ત કર્યું
કિશ્તવાડની ઘટનાને લઇને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. રાહત-બચાવ કામ ચાલુ છે અને તેમને વિશ્વાસ અપાવ્યો કે જરૂરિયાતમંદોને દરેક શક્ય સહાય આપવામાં આવી રહી છે.
કિશ્તવાડમાં તંત્ર હાઇએલર્ટ પર
કિશ્તવાડમાં વર્તમાન હવામાનની સ્થિતિ અને ચિશોતીમાં વાદળ ફાટતા પૂરની સ્થિતિને જોતા કિશ્તવાડ પોલીસ અને જિલ્લા તંત્રએ જિલ્લામાં કંટ્રોલ રૂમ અને હેલ્પડેસ્ક એક્ટિવ કરી દીધા છે. તમામ સબ-ડિવિઝનને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે. ઇમરજન્સીની સ્થિતિ સામે લડવા વિશેષ પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી રહી છે.

