Jammu and Kashmir: નૌગામમાં નવના મોત મામલે ગૃહ મંત્રાલયનું સત્તાવાર નિવેદન

જમ્મુ કાશ્મીરના નૌગામમાં પોલીસ સ્ટેશનની અંદર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં નવ લોકોના મોત થયા છે. જે મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સત્તાવાર નિવેદન આપ્યું છે. જેમાં મંત્રાલયે જણાવ્યું છે કે હરિયાણાના ફરીદાબાદમાંથી જપ્ત કરેલા વિસ્ફોટકના સેમ્પલની ફોરેન્સિક તપાસ દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ કયા કારણોસર થયો તેની તપાસ હજુ કરવામાં આવશે.
આ જથ્થામાં થયો બ્લાસ્ટ
બ્લાસ્ટમાં 27 પોલીસ જવાન, બે અધિકારી તથા ત્રણ નાગરિકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડેએ જણાવ્યું છે, કે વિસ્ફોટના કારણે પોલીસ સ્ટેશનની ઈમારત તથા આસપાસ ભારે નુકસાન થયું છે. તેમણે ખોટી અટકળો પર વિરામ લગાવવા પણ અપીલ કરી છે.
ગૃહમંત્રાલયનું સત્તાવાર નિવેદન
સંયુક્ત સચિવે જણાવ્યું કે, ગઇકાલે રાત્રે 11.20 કલાકે પોલીસ સ્ટેશનમાં દુર્ભાગ્યપૂર્ણ વિસ્ફોટ થયો હતો. આતંકવાદી મોડ્યુલની તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો હતો. જે પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.
વિસ્ફોટકમાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા હતા. જે બાદ ફોરેન્સિક તપાસ માટે મોકલવા દરમિયાન વિસ્ફોટ થયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, હજી પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટના કારણોની તપાસ ચાલી રહી છે.

