VIDEO/ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 15 લોકોના મોતની આશંકા
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સોમવારે સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. રામનગરથી ઉધમપુર જઈ રહેલી મુસાફરોથી ભરેલી એક બસ કાનોટે ગામ પાસે બેકાબૂ થઈને પહાડી પરથી ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ભીષણ અકસ્માતમાં અનેક મુસાફરોએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.
બચાવ કામગીરી પુરજોશમાં
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, અકસ્માતની જાણ થતા જ તેમણે ઉધમપુરના ડીસી મિંગા શેરપા સાથે વાત કરી છે અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાસ્થળે વહીવટીતંત્ર અને સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.
ગંભીર ઈજાગ્રસ્તોને એરલિફ્ટ કરાશે
પ્રાથમિક માહિતી અનુસાર, જાનહાનિનો આંકડો મોટો હોવાની ભીતિ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, જે મુસાફરોની હાલત અત્યંત ગંભીર છે તેમને વધુ સારી સારવાર માટે એરલિફ્ટ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

