'પાર્ટી માટે ફંડ, વેપારીઓને ડંડા અને EDનો ફંદો, ત્રણ યોજનાઓ પર કામ કરી રહી છે ભાજપઃ જયરામ રમેશ

લોકસભા ચૂંટણી અંતર્ગત ઈન્ડિયા ગઠબંધનની રેલી રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાવા જઈ રહી છે. આ દરમિયાન વિપક્ષી ગઠબંધન પાર્ટીઓના કેટલાક નેતાઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસને દરરોજ ઈન્કમટેક્સની નોટિસ મોકલી રહી છે. પાર્ટીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે. હવે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા જયરામ રમેશે ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ ત્રણ યોજનાઓ પર કામ કરી રહી છે અને તે છે "પાર્ટી માટે ફંડ, વેપારીઓને ડંડા અને EDનો ફંદો."
કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "ગઈકાલની રેલી કોઈ વ્યક્તિ કેન્દ્રિત રેલી નથી. તે INDIA ગઠબંધનની રેલી છે. આ કોઈ એક પાર્ટીની રેલી નથી. પહેલી રેલી મુંબઈના શિવાજી પાર્કમાં યોજાઈ હતી અને બીજી રેલી દિલ્હીમાં રામલીલા મેદાનમાં યોજાવા જઈ રહી છે."
રેલીમાં ટીએમસીના નેતાઓ પણ ભાગ લેશે
પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે કોઈ બેઠકની વહેંચણી નથી, પરંતુ જયરામ રમેશે કહ્યું કે આવતીકાલની રેલીમાં ઘણા લોકો હાજરી આપશે. ટીએમસી પણ રેલીમાં આવશે. જયરામ રમેશે કહ્યું કે રેલીની થીમ "લોકશાહી બચાવો" રાખવામાં આવ્યું છે.
જયરામ રમેશે કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ વિરુદ્ધ "ટેક્સ ટેરરિઝમ" ચલાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીને નિશાન બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ સુધી કોંગ્રેસને આઈટી તરફથી ચાર નોટિસ મળી હતી પરંતુ ગઈકાલે રાત્રે વધુ બે નોટિસ મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધી તો કેસરીજીના જમાના સુધીની નોટિસો આવી છે.
જયરામ રમેશે જણાવ્યું કે રામલીલા મેદાનમાં યોજાનારી રેલીમાં વિપક્ષી નેતાઓની મહત્વની બાબતો શું હશે.
- વિપક્ષના નેતાઓ મોંઘવારી, બેરોજગારી અને ધ્રુવીકરણ અંગે પોતાના વિચારો રજૂ કરશે.
- વિપક્ષી પાર્ટીઓને સતત નિશાન બનાવવામાં આવી રહી છે, જેના પર વિપક્ષી નેતાઓ ચર્ચા કરશે.
- બે સીએમની ધરપકડ કરવામાં આવી છે. જુદા જુદા રાજ્યોમાં ઘણા મંત્રીઓની ધરપકડ કરવામાં આવી છે.
- ચૂંટણી બોન્ડ પર ચર્ચા થશે, જેને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કર્યા છે.

