Jabalpur cruise દુર્ઘટના: 'પપ્પાનો હાથ પકડી લીધો, મમ્મી-ભાઈ લાપતા છે અને નાની મરી ગયા...', માસૂમ બાળકીએ વર્ણવી કાળજું કંપાવતી આપવીતી
જબલપુર: મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ બરગી ડેમમાં ગુરુવારે મોડી રાત્રે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. નર્મદા નદીના બેકવોટરમાં પ્રવાસીઓથી ભરેલી એક ક્રૂઝ અચાનક ડૂબી જતાં હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અનેક પ્રવાસીઓ હજુ પણ લાપતા છે. આ કાળજું કંપાવતી આ ઘટનામાં બચી ગયેલી એક નાની બાળકીએ જે આપવીતી સંભળાવી છે, તે સાંભળીને પથ્થર દિલના માણસની આંખમાં પણ આંસુ આવી જાય તેમ છે.
'બધું વિખેરાઈ ગયું, મમ્મી-ભાઈ નથી મળી રહ્યા'
રેસ્ક્યુ ટીમની વાનમાં ભયભીત હાલતમાં બેઠેલી એક બાળકીએ ધ્રૂજતા અવાજે પત્રકારોને જણાવ્યું કે, "અચાનક ક્રૂઝ પલટી ગઈ અને અંદર પાણી ભરાઈ ગયું. બધા લોકો આમ-તેમ વિખેરાઈ ગયા. પાણીમાં મને ગમે તેમ કરીને મારા પપ્પા મળી ગયા તો મેં તેમનો હાથ જોરથી પકડી લીધો. મારા નાનુ (નાના) મળી ગયા છે, પણ મારી મમ્મી અને ભાઈ હજુ નથી મળી રહ્યા. મારી નાની મૃત્યુ પામ્યા છે, તેમનો મૃતદેહ મળ્યો છે."
કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?
માહિતી મુજબ, જ્યારે ક્રૂઝ નદીના ઊંડા બેકવોટર વિસ્તારમાં પહોંચી ત્યારે અચાનક હવામાન પલટાયું હતું. તેજ પવન અને ઉછળતા મોજાઓને કારણે ક્રૂઝનું સંતુલન બગડ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ક્રૂઝ ડગમગવા લાગી હોવા છતાં ચાલકે તેને તરત જ કિનારે લાવવાનો પ્રયાસ કર્યો ન હતો, જે અંતે મોટી હોનારતમાં પરિણમ્યું હતું.
તંત્ર અને સુરક્ષા પર ઉઠ્યા સવાલ
આ દુર્ઘટના બાદ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે:
-
હવામાનની ચેતવણી: 'યલો એલર્ટ' હોવા છતાં ક્રૂઝને પ્રવાસીઓ સાથે કેમ રવાના કરવામાં આવી?
-
ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ: શું ક્રૂઝમાં નિર્ધારિત મર્યાદા કરતા વધુ લોકો સવાર હતા?
-
સુરક્ષા સાધનોનો અભાવ: શું પ્રવાસીઓ પાસે લાઈફ જેકેટ જેવી પૂરતી સુવિધાઓ હતી?
રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
અત્યાર સુધીમાં SDRF અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા 15 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. સેનાના ગોતાખોરોની પણ મદદ લેવામાં આવી રહી છે. લાપતા લોકોની શોધખોળ માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

