'પરિણીત મહિલાને લલચાવીને રેપ કર્યો તે માનવું મુશ્કેલ', દુષ્કર્મ કેસમાં SCની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય આપતાં જણાવ્યું છે કે માત્ર લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બનાવવામાં આવ્યા હોય તે દરેક કેસમાં તેને દૂષ્કર્મ ગણાવી શકાય નહીં. અદાલતે સ્પષ્ટ કર્યું કે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 375 હેઠળ દૂષ્કર્મનો ગુનો ત્યારે જ બને છે, જ્યારે શરૂઆતથી જ આરોપીનો લગ્ન કરવાનો કોઈ ઇરાદો ન હોય અને માત્ર શારીરિક સંબંધ માટે ખોટું વચન આપીને સંમતિ મેળવવામાં આવી હોય.
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાંની બેન્ચે આ ટિપ્પણી કરતાં છત્તીસગઢ હાઇકોર્ટનો નિર્ણય રદ કર્યો અને આરોપી વકીલ સામે દાખલ દૂષ્કર્મનો કેસ ખારિજ કર્યો. હાઇકોર્ટે અગાઉ કેસ રદ કરવાની અરજી નકારી હતી.
અદાલતે નોંધ્યું કે ફરિયાદી મહિલા 33 વર્ષની વકીલ છે, અને પરિણીત છે. એક સંતાનની માતા પણ છે. કેસ દરમિયાન તે પોતાના પતિથી છૂટાછેડા માટેની કાર્યવાહીમાંથી પસાર થઈ રહી હતી, એટલે કે કાયદાકીય રીતે તે હજુ પણ પરિણીત હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે બંને પક્ષોને મહિલાની વૈવાહિક સ્થિતિ વિશે જાણ હોવા છતાં, સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો હતો, તેથી માત્ર લગ્નના વચનના આધાર પર દૂષ્કર્મનો આરોપ માન્ય ગણાવી શકાય નહીં.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2022થી બંને વચ્ચે શારીરિક સંબંધો શરૂ થયા હતા અને આ સંબંધ જાન્યુઆરી 2025 સુધી ચાલુ રહ્યો હતો. આ દરમિયાન તે ગર્ભવતી થઈ હતી અને તેને જબરદસ્તી ગર્ભપાત કરાવવામાં આવ્યો હોવાનો પણ આરોપ મૂક્યો હતો. પરિવાર વચ્ચે તણાવ અને વિવાદ વધ્યા બાદ ફેબ્રુઆરી 2025માં તેણે આરોપી સામે કેસ નોંધાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે સંમતિ અને ખોટા વચન વચ્ચેનો ભેદ મહત્ત્વનો છે. જો સંબંધ પરસ્પર સંમતિથી ચાલ્યો હોય અને શરૂઆતથી જ છેતરપિંડીનો ઈરાદો સાબિત ન થાય, તો તે આપોઆપ દૂષ્કર્મ ગણાતો નથી. આ નિર્ણય ભવિષ્યમાં આવા કેસોમાં કાનૂની વ્યાખ્યા સમજવામાં માર્ગદર્શક બની શકે છે.

