મહારાષ્ટ્રમાં આંતરિક સર્વેએ વધારી ભાજપની ચિંતા, વિધાનસભા ચૂંટણીમાં આટલી બેઠક જીતવાનો દાવો

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે અટકળો છે કે ભાજપને રાજ્યમાં મોટા નુકસાનની ચિંતા સતાવી રહી છે. લોકસભા ચૂંટણીમાં પણ ભાજપનું મહારાષ્ટ્રમાં ખરાબ પ્રદર્શન રહ્યું હતું. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઇને એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં ભાજપને નુકસાન થઇ શકે છે.
મહારાષ્ટ્રમાં સર્વેમાં ભાજપને નુકસાનના સમાચાર
મહારાષ્ટ્રમાં ભાજપ પોતાના પ્રદર્શનને લઇને ચિંતિંત જોવા મળી રહી છે. ભાજપ તરફથી કરવામાં આવેલા આંતરિક સર્વે સંકેત આપી રહ્યાં છે કે પાર્ટી 288 વિધાનસભા બેઠકમાંથી માત્ર 55થી 65 બેઠક પર જીત મેળવી શકે છે. 2014માં ભાજપના 122 અને 2019માં 105 ધારાસભ્ય હતા.
RSS અજિત પવાર સાથે ગઠબંધનના પક્ષમાં નથી
રિપોર્ટ અનુસાર, સંઘ ભાજપ અને અજિત પવાર સાથે ગઠબંધનના પક્ષમાં નથી.આ પહેલા સંઘના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શનનું કારણ અજિત પવારને ગણવામાં આવ્યું હતું. તાજેતરમાં મરાઠી મેગેઝીન વિવેકમાં પણ આ રીતની વાત કહેવામાં આવી છે. કહેવામાં આવે છે કે RSSનું માનવું છે કે અજિત પવાર સાથે ગઠબંધનના નિર્ણયે ભાજપની છબીને નુકસાન પહોચાડ્યું છે.
ઉદ્ધવ ઠાકરે આપી રહ્યાં છે ભાજપને પડકાર
શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી કે રાજકારણમાં તે અથવા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસમાંથી કોઇ એક જ બચશે. ઠાકરેએ ભાજપના નેતા પર તેમન અને તેમના પુત્રને જેલમાં નાખવાના ષડયંત્રનો આરોપ પણ લગાવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મહારાષ્ટ્રમાં આવીને ભાજપ માટે વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવાનો પડકાર ફેક્યો હતો.

