પગમાં સાંકળો બાંધી, વોશરૂમમાં ખેંચીને લઇ ગયા... અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોએ વર્ણવી આપવીતી

અમેરિકન સેનાનું મિલિટ્રી એરક્રાફ્ટ C17 ગ્લોબમાસ્ટર 5 ફેબ્રુઆરીએ પંજાબના અમૃતસરમાં લેન્ડ થયું હતું. આ સૈન્ય વિમાનમાં 104 પ્રવાસી ભારતીય હતા જેને અમેરિકાએ ડિપોર્ટ કર્યો હતો. અમેરિકાથી ભારત ફરેલા લોકોએ તેમની સાથે કરવામાં આવેલા દુર્વ્યવહાર વિશે જણાવ્યું છે. એક પ્રવાસીએ કહ્યું કે, તેમના પગ સાંકળથી બાંધેલા હતા અને વારંવાર આગ્રહ કર્યા બાદ તેમને ઘસડીને વોશરૂમમાં લઇ જવામાં આવતા હતા.
ડિપોર્ટ કરાયેલા ભારતીયો સાથે દુર્વ્યવહાર
અમેરિકન એજન્ટોએ ડિપોર્ટ કરાયેલા ભારતીય પ્રવાસીઓની એક પરેડ કરાવી હતી અને પછી પગમાં સાંકળ બાંધી હતી અને હાથમાં હથકડી પહેરાવી સેનાના વિમાનમાં ધકેલી દીધા હતા.
અમેરિકન ક્રૂના લોકો શૌચાલયનો દરવાજો ખોલીને તેમને અંદર ધકેલી દેતા હતા. આ પુરા પ્રવાસ દરમિયાન તેમની સીટથી એક ઇંચ પણ હલવા દેવામાં આવતા નહતા. ડિપોર્ટ કરાયેલા ભારતીયોની મુસાફરી નરક કરતા પણ ખરાબ હતી. 40 કલાક સુધી તે સારી રીતે ભોજન પણ કરી શક્યા નહતા અને હથકડી લગાવીને ખાવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. સુરક્ષાકર્મીઓને ભારતીયોએ આગ્રહ કર્યો કે થોડી મિનિટ માટે તેમની હથકડી ખોલવામાં આવે જેથી તે સારી રીતે ભોજન કરી શકે પરંતુ તેમની કોઇ વાત સાંભળવામાં આવતી નહતી.
એક સભ્યએ દયા દાખવી ફળ આપ્યા
અમેરિકાથી અમૃતસર સુધી 104 ભારતીયોની યાત્રા દર્દનાક જ નહીં પણ માનસિક રીતે પરેશાન કરનારી હતી. ક્રૂમાં એક દયાળુ સભ્ય પણ હતો જેને કેટલાક ભારતીયોને ખાવા માટે ફળ આપ્યા હતા.
સુરતનો કેતુલ પટેલ ફ્લેટ વેચી અમેરિકા ગયો
અમેરિકા દ્વારા ડિપોર્ટ કરાયેલા કેતુલ પટેલ પોતાના પરિવાર સાથે સુરતના ડિંડોલીમાં રહ્યો હતો. તે એક વર્ષ પહેલાં જ ફ્લેટ વેચી અમેરિકા ગયો હતો. કેતુલ પટેલના નવા મકાન માલિકે આ અંગે જણાવ્યું હતું. જો કે, કેતુલ કે તેના પિતા હસમુખ પટેલ આ મુદ્દે કોઈ વાત કરવા માગતા નથી. હસમુખ પટેલ અમદાવાદમાં દરજી કામ કરે છે. અમૃતસર પહોંચેલા 33 ગુજરાતીઓને અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતાં. જ્યાં પોલીસ તેમને પોતાના વાહનોમાં ઘર સુધી મૂકવા જઈ રહી છે.

