ભારતીય નાગરિક તાત્કાલિક સીરિયા છોડે: ભારત સરકારે બહાર પાડી એડવાઇઝરી

સીરિયામાં બળવાખોરો દ્વારા નરસંહાર અને ઉથલપાથલને જોતા ભારતે શુક્રવારે મોડી રાત્રે ભારતીય નાગરિકો માટે તાકીદની એડવાઈઝરી જારી કરી છે. ભારત તરફથી જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ સીરિયા જવાનું ટાળવું જોઈએ. આ સિવાય વિદેશ મંત્રાલયે સીરિયામાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક સીરિયા છોડવાનો પ્રયાસ કરવા જણાવ્યું છે. આ સિવાય જે લોકો સીરિયા છોડી શકતા નથી તેમણે ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવું જોઈએ.
વિદેશ મંત્રાલયે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. હેલ્પલાઇન નંબર છે- +963993385973. આના પર વોટ્સએપ મેસેજ પણ મોકલી શકાય છે. આ સિવાય દૂતાવાસનો [email protected] પર ઈમેલ દ્વારા પણ સંપર્ક કરી શકાય છે. ઇસ્લામવાદી આગેવાની હેઠળના બળવાખોરોએ સીરિયામાં નિયંત્રણ મેળવ્યું છે, ભારતે શુક્રવારે કહ્યું હતું કે તે ત્યાંની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. વિદ્રોહીઓએ ગુરુવારે દેશના સૌથી મોટા શહેર અલેપ્પોના મોટા ભાગના વિસ્તારને કબજે કર્યા બાદ મધ્ય સીરિયન શહેર હોમ્સ પર મોટાપાયે કબજો કરી લીધો છે.
ઇસ્લામિક આતંકવાદી જૂથે મુખ્ય શહેર પર કર્યો કબજો
મંત્રાલયે જણાવ્યું હતું કે, "જે લોકો જઈ શકે છે તેઓને જલદી ઉપલબ્ધ વ્યાપારી ફ્લાઇટ્સ દ્વારા સીરિયા છોડવાની સલાહ આપવામાં આવે છે અને અન્ય લોકોને તેમની સલામતી અંગે અત્યંત સાવધાની રાખવા અને તેમની હિલચાલને ન્યૂનતમ સુધી મર્યાદિત કરવા વિનંતી કરવામાં આવે છે." નોંધનીય છે કે ઇસ્લામિક આતંકવાદી જૂથ હયાત તહરિર અલ-શામ (HTS) એ મુખ્ય શહેર હમા પર કબજો કરી લીધો છે અને તે હોમ્સ શહેર તરફ આગળ વધી રહ્યું છે.
હજારો લોકોને હોમ્સ છોડવું પડ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમે ઉત્તર સીરિયામાં તાજેતરની લડાઈની તીવ્રતાની નોંધ લીધી છે." અમે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. સીરિયામાં લગભગ 90 ભારતીય નાગરિકો છે, જેમાંથી 14 યુએનની વિવિધ સંસ્થાઓ માટે કામ કરી રહ્યા છે. "અમારું મિશન નાગરિકોની સલામતી માટે સતત સંપર્ક જાળવી રાખવાનું છે."

