Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : India will never compromise on its red lines, Jaishankar tells America clearly

ભારત પોતાની રેડ લાઈન્સ સાથે ક્યારેય કોઈ બાંધછોડ નહીં કરે, જયશંકરની અમેરિકાને સાફ વાત

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ભારત પોતાની રેડ લાઈન્સ સાથે ક્યારેય કોઈ બાંધછોડ નહીં કરે, જયશંકરની અમેરિકાને સાફ વાત
સોર્સ : GSTV

ભારત-અમેરિકા વચ્ચે હાલમાં ટ્રેડ અને રશિયન ઓઈલની ખરીદીને લઈને તણાવ ચાલી રહ્યો છે. હવે વિદેશ મંત્રી એસ જયશંકરે તમામ મુદ્દાઓ પર વિગતવાર વાત કરી છે. તેમણે કહ્યું કે, ટ્રેડ, તેલ અને ભારત-પાક સંબંધોમાં મધ્યસ્થી અંગે  અમેરિકા સાથે કોઈ અણબનાવ નથી, પરંતુ વાતચીત ચાલી રહી છે.

App Store

જયશંકરે સ્પષ્ટ કરી દીધું કે, અમેરિકા સાથે ટ્રેડ પર વાટાઘાટોમાં ભારતના ખેડૂતો અને નાના ઉત્પાદકોનું હિત સર્વોપરી છે. ભારત પોતાની રેડ લાઈન્સ સાથે ક્યારેય કોઈ બાંધછોડ નહીં કરશે. પછી ભલે તે ખેડૂતોના હિતની કે, વ્યૂહાત્મક સ્વાયત્તતાની વાત હોય.

અમેરિકા સાથે ટ્રેડનો મુદ્દો

અમેરિકા સાથે ટ્રેડ અંગે વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, 'નેગોશિયેશન્સ હજુ પણ ચાલી રહી છે પરંતુ અમારી કેટલીક રેડ લાઈન્સ છે. સૌથી મહત્વપૂર્ણ ખેડૂતો અને નાના ઉત્પાદકોનું હિત છે. આ એક એવો મુદ્દો છે જેના પર સમાધાન શક્ય નથી. વિપક્ષ અને ટીકાકારો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, જો કોઈ અસંમત હોય, તો તેમણે જનતાને કહેવું જોઈએ કે તેઓ ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા તૈયાર નથી અને તેમના માટે વ્યૂહાત્મક સ્વાયત્તતાનું મહત્વ નથી.

રશિયન ઓઈલ અને પ્રતિબંધો પર વિવાદ

રશિયાથી તેલની આયાત અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો વિશે વાત કરતા જયશંકરે અમેરિકાના બેવડા વલણ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, ચીન પર કોઈ ટેરિફ લાદવામાં આવ્યો નથી, જે રશિયાનો સૌથી મોટો આયાતકાર છે. ભારતને નિશાન બનાવતી દલીલો ચીન પર કેમ લાગુ નથી પડતી? 

જયશંકરે સ્પષ્ટ કરી દીધું કે, ભારત પોતાના રાષ્ટ્રીય હિત અને વ્યૂહાત્મક સ્વાયત્તતાને ધ્યાનમાં રાખીને જ સંબંધિત નિર્ણયો લેશે અને કોઈપણ દબાણમાં નહીં આવે. નોંધનીય છે કે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે અમેરિકાએ ભારત પર વધારાના ટેરિફ તરીકે 25% પેનલ્ટી લગાવી છે, અને એમ પણ કહ્યું છે કે આના કારણે રશિયાને મોટું નુકસાન થયું છે અને ભારતે તેલ ખરીદી પર પુનર્વિચાર કર્યો છે. જોકે, ભારતે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરતા કહ્યું કે તેલ ખરીદી ચાલુ છે.

ભારત-પાકિસ્તાન સંબંધો પર મધ્યસ્થીનો વિરોધ

ભારત-પાકિસ્તાન સંબંધો પર વિદેશ મંત્રીએ કહ્યું કે, '1970ના દાયકાથી ભારતમાં એક રાષ્ટ્રીય સર્વસંમતિ રહી છે કે કોઈપણ પ્રકારની મધ્યસ્થી સ્વીકારવામાં આવશે નહીં. 50 વર્ષથી એવું નક્કી કરવામાં આવ્યું છે કે, અમે પાકિસ્તાન સાથેના સંબંધોમાં કોઈપણ ત્રીજા પક્ષની દખલગીરી સ્વીકારીશું નહીં.'

જયશંકરે કહ્યું કે , સરકારની નીતિ સ્પષ્ટ છે - ટ્રેડમાં ખેડૂતોના હિત, વ્યૂહાત્મક સ્વાયત્તતા અને મધ્યસ્થીનો વિરોધ. 'અમે અમારી સાર્વભૌમત્વ, સ્વતંત્ર વ્યૂહરચના અને નાગરિકોના હિત સાથે સમાધાન નહીં કરીશું. અમે વાટાઘાટો અને નેગોશિયેશન્સ માટે તૈયાર છીએ, પરંતુ રાષ્ટ્રીય હિત સર્વોપરી છે.'