'ઓપરેશન સાગરબંધુ' હેઠળ શ્રીલંકાની મદદે ભારત, બે ચેતક હેલિકોપ્ટર મોકલ્યા

શ્રીલંકામાં દિતવાહ વાવાઝોડાના પગલે 123 લોકોનાં મોત બાદ ઈમરજન્સી લાગુ છે. વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાની મદદ માટે ભારતે બે ચેતક હેલિકોપ્ટર મોકલ્યા છે. કોલંબો તંત્રના અધિકારી મુજબ, ભારત તરફથી મદદ મળ્યા બાદ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
કુદરતી આફતમાં 44,000 હજાર લોકોના ઘર બરબાદ
વાવાઝોડાને લઈને શ્રીલંકામાં એક અઠવાડિયા સુધી ભારે વરસાદ વરસ્યો, જેને લઈને અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ કુદરતી આફતમાં 44,000 હજાર લોકોના ઘર બરબાદ થયા હતા. પ્રભાવિત લોકોને સરકારી શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભારત 'ઓપરેશન સાગરબંધુ' હેઠળ પડોશી દેશ શ્રીલંકાની મદદે આવ્યું છે.
શ્રીલંકાની મદદ માટે ભારતે મોકલ્યા બે ચેતક હેલિકોપ્ટર
શ્રીલંકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચક્રવાત દિતવાહ એ શનિવાર(29 નવેમ્બર) સુધીમાં 123 લોકોના જીવ લીધા છે. હજુ પણ 130 લોકો ગુમ છે. શોધ અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા માટે ભારતે INS વિક્રાંત પર તૈનાત બે ચેતક હેલિકોપ્ટર શ્રીલંકા મોકલ્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી છે.
તમિલનાડુ સહિત પાંચ રાજ્યોને એલર્ટ
IMD મુજબ, દિતવાહ વાવાઝોડાના કારણે ભારે તબાહી સર્જાઈ છે. આ બધા વચ્ચે શ્રીલંકાથી ઉભરી આવેલું ચક્રવાત દક્ષિણ ભારતીય દરિયાકાંઠે પ્રવેશ્યું છે. આ દરમિયાન તમિલનાડુ સહિત પાંચ ભારતીય રાજ્યોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે.
'ઓપરેશન સાગરબંધુ' હેઠળ શ્રીલંકાની મદદ કરવા ભારતે હાથ લંબાવ્યો
શ્રીલંકામાં વાવાઝોડાના કારણે સર્જાયેલી મુશ્કેલીની ક્ષણમાં ભારત તરફથી રાહત સામગ્રી સહિત અન્ય આવશ્યક વસ્તુ મોકલવામાં આવી છે. જેમાં 'ઓપરેશન સાગરબંધુ' હેઠળ ભારતીય વાયુસેનાએ શનિવારની સવાર સુધી 21 ટન રાહત સામગ્રી મોકલી છે. સરકારે NDRFના 80 જવાનોને શ્રીલંકાની મદદ માટે મોકલ્યા છે.

