નેપાળમાં સુશીલા કાર્કી કાર્યકારી વડાપ્રધાન બનતા ભારતે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

ભારતે શનિવારે નેપાળમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીના નેતૃત્વમાં બનેલી નવી વચગાળાની સરકારનું સ્વાગત કર્યું. શુક્રવારે મોડી રાત્રે સુશીલા કાર્કીએ નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા
ભારતનું સમર્થન
આ મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલય (MEA)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળ નેપાળમાં નવી વચગાળાની સરકારનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે આનાથી શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન મળશે. એક નજીકના પાડોશી, લોકશાહી દેશ અને લાંબા ગાળાના વિકાસ ભાગીદાર તરીકે, ભારત બંને દેશોના લોકો અને તેમની સુખાકારી અને સમૃદ્ધિ માટે નેપાળ સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે.
શુક્રવારે સંભાળ્યો કાર્યકારી વડાપ્રધાનનો કાર્યભાર
નોંધનીય છે કે, કે. પી શર્મા ઓલીના રાજીનામા બાદ ઘણા દિવસોની રાજકીય અનિશ્ચિતતા હતી. ત્યાર બાદ શુક્રવારે રાત્રે 73 વર્ષીય સુશીલા કાર્કીએ વડાંપ્રધાનનો કાર્યભાર સંભાળ્યો. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે કાઠમાંડુમાં રાષ્ટ્રપતિ નિવાસસ્થાને સુશીલા કાર્કીને પદના શપથ લેવડાવ્યા. આ સમારોહમાં નેપાળના મુખ્ય ન્યાયાધીશ, વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષા પ્રમુખ અને રાજદ્વારી સમુદાયના સભ્યો હાજર રહ્યા હતા. પૌડેલે કહ્યું કે સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળની કાર્યકારી સરકારને 6 મહિનાની અંદર નવી સંસદીય ચૂંટણીઓ યોજવાનો અધિકાર છે.
કે. પી ઓલીને પદ છોડવું પડ્યું
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના વિવાદાસ્પદ પ્રતિબંધને કારણે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થયા હતા, જેના કારણે કે. પી ઓલીને પદ છોડવું પડ્યું. હિંસક આંદોલનના ત્રણ દિવસ પછી, 73 વર્ષીય સુશીલા કાર્કી નેપાળમાં વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકે પસંદગી પામ્યા છે. શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે સુશીલા કાર્કી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને આ સમય દરમિયાન તેમની સાથે ઉસ હામી નેપાળ NGOના સભ્ય પણ હાજર હતા, જેણે Gen Z આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.

