મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

માતાની ગોદમાંથી ફરી છિનવાઈ જશે લાલ, ભારત- પાક. વિઝાએ મા બેટાને પરાયા કરી દીધા

પહેલગામ આંતકી હુમલા પછી ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખરાબ થયા છે. હુમલા પછી ભારતે સખ્તાઈ દાખવી અનેક કડક નિયમો

માતાની ગોદમાંથી ફરી છિનવાઈ જશે લાલ, ભારત- પાક. વિઝાએ મા બેટાને પરાયા કરી દીધા

પહેલગામ આંતકી હુમલા પછી ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખરાબ થયા છે. હુમલા પછી ભારતે સખ્તાઈ દાખવી અનેક કડક નિયમો લીધા છે. જેમાં ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને 27 એપ્રિલ સુધીમાં ભારત છોડીને જવા આદેશ આપ્યો છે. હવે આ નિયમોને પગલે પાકિસ્તાનથી આવેલા કેટલાય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ફરી એક વખત પોતાનાથી દૂર જવા મજબૂર બનવું પડશે. આ નિયમોને પગલે એક હિન્દુ માતાને પણ મુશ્કેલી પડી શકે છે. કારણ કે તેને તેના પુત્રને છોડીને જવું પડશે. 

માતા પુત્રને ફરીથી અલગ થવું પડી શકે

રાજસ્થાનના જેસલમેરમાં રહેતી 27 વર્ષીય પાકિસ્તાની નાગરિક રાધા ભીલને ફરી એકવાર તેના નાના પુત્રથી અલગ થવું પડી શકે છે. 2 વર્ષની લાંબી રાહ જોયા પછી રાધા ફક્ત 20 દિવસ પહેલા જ તેના બાળકને મળી શકી હતી. પરંતુ હવે પહેલગામ હુમલા પછી માતા પુત્રને ફરીથી અલગ થવું પડી શકે છે.

પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે તાત્કાલિક કાર્યવાહી કરતા પાકિસ્તાનીઓના વિઝા રદ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે સખ્તાઈ દાખવતા  આદેશ આપ્યો કે ભારતમાં રહેતા તમામ પાકિસ્તાની નાગરિકો 27 એપ્રિલ સુધીમાં દેશ છોડી દે. આ આદેશ બાદ પાકિસ્તાનથી આવેલા લોકો માટે અહીં રહેવું મુશ્કેલ બની ગયું છે, પરંતુ પરિવાર સતત પ્રયાસ કરી રહ્યો છે કે માતા પુત્રને ફરીથી અલગ ન થવું પડે. દેશ છોડવાની અંતિમ તારીખ 27 એપ્રિલ હોઈ ભારતીય વહીવટીતંત્ર આ નાના બાળકને તેની માતા સાથે રહેવાની છૂટ આપે છે કે નહીં તે જોવાનું રહેશે. 

રાધાની જેમ રાજસ્થાનમાં પાકિસ્તાનથી ઘણા હિન્દુ પરિવારો છે જે શોર્ટ ટર્મ વિઝા પર અહીં આવ્યા છે. એકલા જેસલમેરમાં ટૂંકા ગાળાના વિઝા પર આવેલા 1,200 થી વધુ પાકિસ્તાની નાગરિકો અત્યંત દુઃખી છે કારણ કે તેમના પર દેશ છોડવાની તલવાર લટકી રહી છે.

રાધા ભીલ અને તેમના પતિ રાજુ રામ (30) અને તેમની બે પુત્રીઓ, 8 અને 7 વર્ષની, ફેબ્રુઆરી 2023 માં લાંબા ગાળાના વિઝા પર ભારત આવ્યા હતા. જોકે, ભીલ દંપતીનો પુત્ર ઘનશ્યામ જે તે સમયે 2 મહિનાથી નાનો હતો. તેને વિઝા મળ્યા નહોતા. એ જ રીતે રાજુ રામના માતા-પિતાને પણ ટૂંકા ગાળાના વિઝા આપવામાં આવ્યા ન હતા. ઘનશ્યામ અને તેના દાદા-દાદીને શોર્ટ ટર્મ વિઝા દ્વારા ભારત આવતા 2 વર્ષ લાગ્યા. આ લોકો ૬ એપ્રિલના રોજ ભારતમાં રહેવા આવ્યા હતા. 

સરકારના નિર્ણયથી લાચાર માતા ખૂબ જ દુઃખી છે. રડતા રડતા રાધાએ કહ્યું, "મેં મારા બાળકને મારા હાથમાં લેવા સતત બે વર્ષ રાહ જોઈ. તેની સાથે હજુ ગણતરીના દિવસો વિતાવ્યા અને મારે ફરીથી તેનાથી અલગ થવું પડશે.

જેસલમેરમાં ધાર્મિક અત્યાચારથી બચવા માટે પાકિસ્તાનથી ભારત ભાગી આવેલા શરણાર્થી દિલીપ સિંહ સોઢાએ કહ્યું, "તમે અમને અહીં ગોળી મારી શકો છો. જો અમે અહીં મરી જઈએ, તો ઓછામાં ઓછું અમારી રાખ હરિદ્વારમાં તો પહોંચશે. 

આ સમાચાર શેર કરો