દિલ્હીના રામલીલા મેદાનમાં 31 માર્ચે INDIA ગઠબંધનની મહારેલી, કેજરીવાલની ધરપકડના વિરોધમાં આયોજન

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કેજરીવાલની ધરપકડના વિરોધમાં મોટી રેલીનું આયોજન કર્યું છે. INDIA ગઠબંધન 31 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં મહારેલી યોજશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “દેશની અંદર જે રીતે વડાપ્રધાન તાનાશાહી વલણ અપનાવતા દેસમાં લોકતંત્રની હત્યા કરી દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરી છે. દેશમાં બંધારણ અને લોકતંત્રમાં મોહબ્બત કરનારા લોકોના દિલમાં આક્રોશ છે. આ માત્ર અરવિંદ કેજરીવાલની વાત નથી.”
વિપક્ષી પાર્ટીના નેતાઓ પર લાગી રહ્યો છે કેસ
વિપક્ષી પાર્ટીના નેતાઓએ કહ્યું, “દેશમાં એક એક કરીને સંપૂર્ણ વિપક્ષને ખતમ કરવા માટે વડાપ્રધાન એજન્સીનો ઉપયોગ કરી, ધારાસભ્ય ખરીદી, ખોટા કેસ કરીને ધરપકડનું ષડયંત્ર થઇ રહ્યું છે. ઝારખંડના મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી. પશ્ચિમ બંગાળથી લઇને બિહાર સુધી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પર ખોટા કેસ લગાવીને ચુપ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી અને દેશમાં પ્રદર્શન ચાલુ છે. આગામી દિવસોમાં પણ આ પ્રદર્શન ચાલુ રહેશે.”
આચાર સંહિતા વચ્ચે AAPની ઓફિસ સીલ
વિપક્ષી નેતાઓએ કહ્યું કે દિલ્હીને છાવણીમાં બદલી નાખવામાં આવ્યું છે. ચૂંટણી પંચ MCC લાગુ થયા છતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલયને સીલ કરવામાં આવ્યું છે. ભાજપ કહી રહ્યું છે કે કેજરીવાલ અને વિપક્ષના નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે પરંતુ આરોપોના ધજાગરા સુપ્રીમ કોર્ટે ઉડાવી દીધા છે.
ચૂંટણી પંચની વેબસાઇટમાં જાહેર યાદીમાં 60 કરોડનું મની ટ્રેલ સામે આવ્યું છે. શરત રેડ્ડીની કંપની પાસેથી 60 કરોડનું બોન્ડ લીધુ. ભાજપ ચુપ કેમ છે? આજે દેશ જો ચુપ રહ્યો તો કોણ અવાજ ઉઠાવશે. તાનાશાહી વિરૂદ્ધ 31 માર્ચ 10 વાગ્યે પુરી દિલ્હી રામલીલા મેદાનમાં આવશે.

