VIDEO: બદલાપુરમાં 4 વર્ષની બે બાળકીઓના યૌન શોષણથી ગુસ્સે ભરાયા લોકો, પોલીસ ઉપર કર્યો પથ્થરમારો

મહારાષ્ટ્રના બદલાપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બદલાપુર પૂર્વમાં એક પ્રતિષ્ઠિત શાળામાં સફાઈ કામદાર દ્વારા ચાર વર્ષની બે બાળકીઓનું યૌન શોષણ થયા બાદ સ્થાનિકો ગુસ્સે ભરાયા છે. લોકો મધ્ય રેલવેના પાટા ઉપર બેસીને ટ્રેન રોકી છે. ટ્રેનના પાટા પરથી લોકોને દૂર કરવા પોલીસ આવતા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો છે.
રેલવે ટ્રેક પર એકઠા થયેલા લોકોને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. રોષે ભરાયેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાની માહિતી મળી છે. લોકોએ પોલીસ દળ પર પથ્થરમારો કર્યો. જેથી પોલીસ સ્વબચાવમાં ભાગી ગઈ હતી. મુંબઈથી ઉપડતી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને અન્ય રૂટ દ્વારા તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવી રહી છે. કારણ કે બદલાપુરમાં હજારો લોકો રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા છે અને રેલ રોકો કરીને ઘટનાનો વિરોધ કરી રહ્યા છે.
આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ મંગળવારે સ્કૂલની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. થોડી જ વારમાં વિરોધ કરી રહેલા લોકોની સંખ્યા વધી ગઈ અને આખા શહેરમાં બેનરો અને પોસ્ટરો સાથે રોષે ભરાયેલા લોકોની ભીડ નીકળી પડી. લોકોએ રેલ્વે સ્ટેશનનો ઘેરાવ શરૂ કર્યો. ટ્રેક પર પ્રદર્શનને કારણે ટ્રેનોની અવરજવરને અસર થઈ છે.
ચાર વર્ષીય બાળકીના શોષણના વિરુદ્ધમાં લોકો થાણે રેલવે સ્ટેશન પર એકત્ર થયા છે. આ ઘટનાનો પડઘો પડતાં છેક મુખ્યમંત્રી સુધી વાત પહોંચી છે. મુખ્યમંત્રી શિંદેએ પણ આ ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે. ડે. મુખ્યમંત્રી ફડણવિસે આ ઘટનામાં તપાસ માટે SITની રચના કરી છે.
બદલાપુરની ઘટના બાદ લોકોએ થાણે વિસ્તારમાં બબા મચાવી છે. લોકોએ મુંબઈ રેલવેની લોકલ ટ્રેન રોકીને પાટા ઉપર બેસી ગયા છે. લોકોનો ગુસ્સો આસમાને છે. પોતાની નાબાલિગ બાળકીઓની સ્કૂલોમાં સિક્યોરિટી બાબલે સવાલો કરી રહ્યા છે. શરૂઆતમાં શાળા પ્રશાસન અને પોલીસે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે પીડિત યુવતીઓના માતા-પિતા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા તો મહિલા પોલીસ અધિકારીએ તેમને લગભગ 12 કલાક સુધી બેસાડી રાખ્યા.
એ પછી બબાલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શુભદા શિતોલેની તાત્કાલીક થાણે કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે. આ પછી શાળાના આચાર્ય, સંબંધિત વર્ગ શિક્ષક અને બે સહાયક કર્મચારીને નોકરીમાંથી છૂટા કરી દેવાયા છે. જો કે શાળા પ્રશાસને હજુ સુધી આ બાબતે વાલીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી નથી. શાળા પ્રશાસન કોઈ વાત કરવા તૈયાર ન હોવાને કારણે વાલીઓ હાલ ખૂબ જ ગુસ્સે ભરાયા છે.
મંગળવારે સવારે બદલાપુરના ગુસ્સે થયેલા લોકોનું ટોળું શાળામાં ઘૂસીને ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા. જોકે શાળા વહિવટી તંત્રમાંથી કોઈએ વાલીઓ સામે આવવાની હિંમત દાખવી નથી. શાળાના ગેટ પાસે લોકોના ટોળા એકઠા થયા હતા પરંતુ ત્રણ કલાક પછી પણ આ અંગે શાળા પ્રશાસન સાથે વાત કરવા કોઈ આગળ આવ્યું નથી.
શાળાએ માફી માંગી
બાળકીઓ સાથે દુષ્કર્મ કરનાર સફાઈ કર્મચારીના કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે. શાળા દ્વારા વાલીઓને માફી પત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં કહ્યું છે કે, જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ, ઘૃણાસ્પદ અને નિંદનીય છે. શાળા પ્રશાસને કહ્યું છે કે, અમે આરોપીઓ સામે કાર્યવાહી કરવા પોલીસને સંપૂર્ણ સહકાર આપ્યો છે.

