જસ્ટિસ યશવંત વર્માને હટાવવાની પ્રક્રિયા શરૂ, લોકસભા સ્પીકરે 3 સભ્યોની કમિટી બનાવી

સંસદના ચોમાસા સત્રની કાર્યવાહીનો આજે 17મો દિવસ છે. કાર્યવાહી શરૂ થયા પહેલા વિપક્ષે બિહાર વોટર લિસ્ટ રિવીઝનના મુદ્દે પ્રદર્શન કર્યું હતું. સંસદમાં પણ વિપક્ષનો હંગામો ચાલુ રહ્યો હતો. આ વચ્ચે જસ્ટિસ યશવંત વર્માને હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
જસ્ટિસ યશવંત વર્માને પદ પરથી હટાવવા માટે મહાભિયોગની પ્રક્રિયા શરૂ
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે મને રવિશંકર પ્રસાદ અને વિપક્ષના નેતા સહિત કૂલ 146 સભ્યોના હસ્તાક્ષરના પ્રસ્તાવ મળ્યા છે જેમાં અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્માને પદ પરથી હટાવવા કહેવામાં આવ્યું છે. સ્પીકરે જસ્ટિસ વર્મા પર લાગેલા આરોપનો ઉલ્લેખ કર્યો હતો અને ત્રણ સભ્યોની કમિટીની રચનાની જાહેરાત કરી છે. સ્પીકરે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર, મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ મનિંદ્ર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઇકોર્ટના સીનિયર વકીલ વીબી આચાર્યના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ દરખાસ્ત નિયમો અનુસાર મળી હતી, ત્યારબાદ મેં આ સમિતિની રચના કરી છે.
શું છે ઘટના?
14 માર્ચ, 2025ના રોજ જસ્ટિસ યશવંત વર્માના દિલ્હીના તુગલક ક્રેસન્ટ ખાતેના સરકારી બંગલામાં આગ લાગી હતી. આગ ઓલવવા ફાયર બ્રિગેડ અને પોલીસ પહોંચી ત્યારે સ્ટોર રૂમમાંથી 500 રૂપિયાની સળગેલી નોટોનો મોટો ઢગલો મળી આવ્યો હતો. જસ્ટિસ વર્માએ દાવો કર્યો છે કે, મને આ રોકડની કોઈ જાણકારી નથી અને તે મારા કે મારા પરિવાર દ્વારા રાખવામાં આવી ન હતી. આ સમગ્ર ઘટનાને તેમણે ષડયંત્ર ગણાવ્યુ હતું.
આ પછી મામલો વધુ વકર્યો હતો. આ પછી, ઘણા પગલાં લેવામાં આવ્યા હતા. આમાં દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય દ્વારા પ્રાથમિક તપાસ અને દિલ્હી હાઇકોર્ટમાં જસ્ટિસ વર્મા પાસેથી ન્યાયિક કાર્ય છીનવી લેવા અને બાદમાં ન્યાયિક કાર્ય વિના તેમને અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

