'PoKમાંથી એક સફરજન તો તોડી લાવે અમિત શાહ...', ગૃહમંત્રી પર કોંગ્રેસ નેતા અધિર રંજનના શાબ્દિક પ્રહાર

દેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઈને રાજકારણ ગરમાયું છે. ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે PoK ભારતનું અભિન્ન અંગ છે. જે અંગે કોંગ્રેસે ઝાટકણી કાઢતા કેન્દ્ર સરકારને પડકાર ફેંક્યો છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અમિત શાહે દાવો કર્યો હતો કે પીઓકેને ભારતમાં સામેલ કરવામાં આવશે. હું પૂછવા માંગુ છું કે શું તમે PoKમાંથી એક સફરજન લાવવામાં સફળ થયા છો? PoKમાંથી ઓછામાં ઓછું એક સફરજન લઈ આવો. ચૂંટણી ટાણે આ લોકો ખાલી મોટી મોટી વાતો કરતા રહે છે. હવે મોદી પણ મોટી મોટી વાતો કરશે. તેમને ચૂંટણી રેલીમાં તો આવવા દો. ફક્ત લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
કાશ્મીરમાં બદલાતી પરિસ્થિતિ અંગે અમિત શાહના નિવેદન પર કોંગ્રેસ નેતા પવન ખેરાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગૃહમંત્રીને પૂછો કે તેઓ (જમ્મુ-કાશ્મીરમાં) ચૂંટણી કેમ નથી કરાવી રહ્યા? ટીવી સ્ટુડિયોમાં ખાલી પોકળ દાવાઓ કરે છે પરંતુ અમે બધા જાણીએ છીએ કે કાશ્મીરમાં જમીની સ્થિતિ શું છે. લદ્દાખમાં વિરોધ છે. સોનમ વાંગચુક છેલ્લા ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યા છે પણ તેમને કોઈ સાંભળતું નથી. માત્ર ઠાલા વચનો આપી રહ્યા છે. ગૃહમંત્રીએ ચૂંટણી કરાવવી જોઈએ.
અધીર રંજન ચૌધરીને પૂછવામાં આવ્યું કે, ગૃહમંત્રી અમિત શાહ કહે છે કે કાશ્મીરને જો કોઈ બચાવી શકે છે તો તે માત્ર પીએમ મોદી છે? આ અંગે કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, અમિત શાહે ગૃહમાં દાવો કર્યો હતો કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને ભારતમાં સામેલ કરવામાં આવશે. મારે માત્ર એટલું જ પૂછવું છે કે શું અમિત શાહ અને તેમની સરકાર પીઓકેમાંથી ઝાડ પરથી એક સફરજન તોડી લાવવામાં સફળ થઈ છે? ઓછામાં ઓછું સફરજન ઝાડ પરથી તોડીને તો બતાવો. શું PoK આપણા નિયંત્રણમાં આવશે? ચૂંટણી વખતે મોટી મોટી વાતો કરવી ખૂબ જ સહેલી છે. હજુ આ તો કંઈ નથી. આનાથી પણ મોટી મોટી વાતો સામે ફેંકશે. PM સાહેબને મેદાનમાં આવવા દો, કેટલાય મોટા ભાષણો આપશે. લોકોને ગેરમાર્ગે દોરવા અને છેતરવાની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માત્ર તેમની શરૂઆત છે.
POK અંગે ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?
ગૃહમંત્રી અમિત શાહે POKને લઈને અલગ-અલગ મંચો અને સંસદમાં નિવેદનો આપ્યા છે. અમિત શાહે કહ્યું કે, ભાજપ અને સમગ્ર સંસદ માને છે કે પીઓકે ભારતનો અભિન્ન અંગ છે. મુસ્લિમ ભાઈઓ પણ ભારતીય છે અને પીઓકેમાં રહેતા હિન્દુ ભાઈઓ પણ ભારતીય છે અને પાકિસ્તાને જે જમીન પર ગેરકાયદે કબજો કર્યો છે તે પણ ભારતની છે. તેને પાછું મેળવવું એ દરેક ભારતીય અને દરેક કાશ્મીરીનું લક્ષ્ય છે. શાહે સંકેત આપ્યા હતા કે તે પોતાના સમયમાં પરત લાવશે. આ માટે એક લાંબી પ્રક્રિયા છે. જ્યારે કલમ 370 હટાવવામાં આવી ત્યારે પણ ગૃહમંત્રીએ પીઓકેને લઈને સંસદમાં નિવેદન આપ્યું હતું.
શાહે વધુમાં કહ્યું કે, જે લોકો ઈસ્લામ વિશે વાત કરે છે તેમણે જાણવું જોઈએ કે મૃત્યુ પામેલા લોકોમાંથી 85 ટકા આપણા મુસ્લિમ ભાઈ-બહેનો હતા. શાહે જમ્મુ-કાશ્મીરના યુવાનોને પાકિસ્તાનના ષડયંત્રથી દૂર રહેવા પણ કહ્યું હતું. તેમણે કહ્યું કે, આજે પાકિસ્તાન ભૂખમરો અને ગરીબીથી ઘેરાયેલું છે અને ત્યાંના લોકો પણ કાશ્મીરને સ્વર્ગ તરીકે જુએ છે. હું બધાને કહેવા માંગુ છું કે કાશ્મીરને જો કોઈ બચાવી શકે છે તો તે વડાપ્રધાન મોદી છે. ગૃહમંત્રીએ કહ્યું કે મોદી સરકાર શહીદોના પરિવારોને નોકરી આપીને સુરક્ષા દળોનું મનોબળ વધારી રહી છે. આજે એક પણ શહીદનો પરિવાર નોકરી વગર રહ્યો નથી.

