‘હવે ચૂંટણી નહીં લડું…’ ભાજપે લોકસભા ટિકિટ કાપ્યા પછી વરુણ ગાંધીની મોટી જાહેરાત

છેલ્લાં કેટલાક સમયથી વરુણ ગાંધીને લઈને જે ચર્ચાઓ ચાલી રહી હતી આખરે તેના પર હવે પૂર્ણ વિરામ મૂકાતો દેખાઈ રહ્યો છે. વરુણ ગાંધીએ જાહેરાત કરી દીધી છે કે તેઓ લોકસભા ચૂંટણી 2024માં કોઈ પણ બેઠક પરથી ઉમેદવારી કરવાના નથી. ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપે તેમની ટિકિટ કાપી નાખી હતી. બીજી બાજુ મેનકા ગાંધીને ટિકિટ આપવામાં આવી હતી. હવે વરુણ ગાંધીએ સ્પષ્ટતા કરી દીધી છે કે હું ફક્ત મારી માતાના ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપીશ અને ચૂંટણી નહીં લડું.
ઉલ્લ્લેખનીય છે કે, વરુણ ગાંધીએ નોમિનેશન ફોર્મ ખરીદ્યું હતું, ત્યારપછી એવી ચર્ચાઓ થઈ હતી કે તેઓ ભાજપ સામે બળવો કરી શકે છે અને પીલીભીતથી અપક્ષ તરીકે લોકસભા ચૂંટણી લડી શકે છે. પરંતુ તેમની ટીમે નિવેદન જારી કરીને આ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
આ પહેલા યુપી બીજેપી અધ્યક્ષ ચૌધરી ભૂપેન્દ્ર સિંહે વરુણ ગાંધીની ટિકિટ રદ્દ થવા પર કહ્યું હતું કે આ વખતે પાર્ટીએ તેમને ચૂંટણી લડવાનું વચન આપ્યું નથી, પરંતુ તેઓ અમારી સાથે છે. પાર્ટી નેતૃત્વએ તેમના વિશે કંઈક સારું વિચાર્યું હશે. અધીર રંજન ચૌધરીએ વરુણને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું, ત્યારે ભૂપેન્દ્ર સિંહે કહ્યું, ‘વરુણ ગાંધી ભાજપના સાચા સૈનિક છે. તેઓ ભાજપમાં જ રહેશે તેવો પૂરો વિશ્વાસ છે. તેઓ ગાંધી પરિવારમાંથી આવે છે અને ભાજપે તેમને ત્રણ વખત સાંસદ બનાવ્યા હતા. અધીર રંજન ચૌધરીએ આરોપ લગાવ્યો હતો કે વરુણ ગાંધી પરિવાર સાથે સંબંધિત છે, તેથી ભાજપે તેમની ટિકિટ રદ કરી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં વરુણ ગાંધી પોતાની જ સરકાર વિરુદ્ધ સતત નિવેદનો આપી રહ્યા હતા. ક્યારેક તેઓ કેન્દ્રની મોદી સરકાર પર તો ક્યારેક રાજ્યની યોગી સરકાર પર નિશાન સાધતા હતા. એવું માનવામાં આવે છે કે પાર્ટી લાઇનથી અલગ સ્ટેન્ડ લેવાને કારણે તેમની સ્થિતિ નબળી પડી ગઈ હતી અને ભાજપે તેમને કોઈ મોટી જવાબદારી સોંપી ન હતી.
વરુણ ગાંધી ભાજપમાંથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે
વરુણ ગાંધી 2004માં ભાજપમાં જોડાયા હતા. પાર્ટીએ તેમને 2009માં પહેલીવાર પીલીભીતથી લોકસભાની ટિકિટ આપી અને તેઓ સાંસદ બન્યા. વર્ષ 2013માં વરુણ ગાંધીને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા અને તે જ વર્ષે પાર્ટીએ તેમને પશ્ચિમ બંગાળના પ્રભારી બનાવ્યા. 2014માં, પાર્ટીએ વરુણને તેની માતા મેનકા ગાંધીની બેઠક સુલતાનપુરથી મેદાનમાં ઉતાર્યા હતા. મેનકા પોતે પીલીભીતથી ચૂંટણી લડ્યા હતા. બંને પોતપોતાની સીટ પરથી જીત્યા હતા. 2019માં ભાજપે ફરીથી બંનેની સીટો બદલી. મેનકા સુલતાનપુર આવ્યા અને વરુણ પીલીભીત પાછા ગયા. માતા અને પુત્ર પોતપોતાની સીટ પરથી જીત્યા

