મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'મેં પોતે રાજીનામું આપ્યું હતું', ગંભીર આરોપમાં પદથી રાજીનામાં બિલ મુદ્દે અમિત શાહે શું કહ્યું 

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આજે ત્રણ બિલ રજૂ કર્યા હતા. લોકસભામાં બંધારણ (એકસો ત્રીસમો સુધારો) બિલ, ૨૦૨૫,

VIDEO: 'મેં પોતે રાજીનામું આપ્યું હતું', ગંભીર આરોપમાં પદથી રાજીનામાં બિલ મુદ્દે અમિત શાહે શું કહ્યું 

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આજે ત્રણ બિલ રજૂ કર્યા હતા. લોકસભામાં બંધારણ (એકસો ત્રીસમો સુધારો) બિલ, ૨૦૨૫, કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સુધારો) બિલ, ૨૦૨૫, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, ૨૦૨૫ રજૂ કરાયા હતા. પરંતુ આ ત્રણેય બિલો સામે વિપક્ષે વિરોધ દર્શાવી બિલની નકલો ફાડીને ગૃહમંત્રી અમિત શાહ તરફ ફેંકવામાં આવી હતી. લોકસભામાં ભારે બબાલ થતાં ગૃહ બપોરે ૩ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું.

લોકસભામાં બંધારણ (એકસો ત્રીસમો સુધારો) બિલ, ૨૦૨૫ અંતર્ગત, જો પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી કે કોઈપણ મંત્રી 5 વર્ષથી વધુ સજાની જોગવાઈવાળા કેસમાં આરોપ  લાગે તો તેમણે પદ છોડવું પડશે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં આવી જોગવાઈ ધરાવતું બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ પર લોકસભામાં બબાલ મચી છે. કોંગ્રેસ, સપા, આરજેડીના નેતાઓએ આ બિલનો વિરોધ કરતા કહ્યું કે, આ લોકશાહીની વિરુદ્ધ છે. આ ઉપરાંત અસદુદ્દીન ઓવૈસીએ પણ તેનો વિરોધ કર્યો છે. બિલ રજૂ કર્યા બાદ બબાલ મચતાં અમિત શાહે પોતે પોતાનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, રાજકારણમાં શુદ્ધતા જાળવવી જરૂરી છે અને આપણે આપણી જવાબદારીથી ભાગી ના શકીએ.

કેસી વેણુગોપાલ બોલી રહ્યા હતા અને વિપક્ષે હંગામો મચાવ્યો હતો. ત્યારે અધવચ્ચે જ બોલતા  અમિત શાહે પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે હું ગુજરાતમાં મંત્રી હતો ત્યારે મારા પર આરોપો લાગ્યા હતા. મેં પદ પરથી રાજીનામું આપ્યું અને કોર્ટના આદેશોનું પાલન કર્યું. આ પછી જ્યારે હું આરોપોથી મુક્ત થયો અને બંધારણ હેઠળ પદ સંભાળવાનો અધિકાર મળ્યો ત્યારે જ મેં ફરીથી જવાબદારી સંભાળી. 

અમિત શાહે કહ્યું કે, આ બિલ દેશમાં ભ્રષ્ટાચાર રોકવા અંગેનું એક મહત્વપૂર્ણ પગલું હશે અને રાજકારણમાં શુદ્ધતાને પ્રોત્સાહન આપશે. વિપક્ષી સાંસદોએ કહ્યું કે આ બિલ ઉતાવળમાં લાવવામાં આવ્યું છે, ત્યારે અમિત શાહ ચર્ચાની વચ્ચે ઉભા થયા અને કહ્યું કે જો આવું હોય તો હું તમને કહી દઉં કે, આ બિલ સંયુક્ત સમિતિ સમક્ષ મોકલવામાં આવશે.
 
સુપર ઇમરજન્સી, વિપક્ષી સાંસદોએ બિલ ફાડી નાખ્યું- મમતા બેનર્જી

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ બિલનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, આવા બિલનો ઉપયોગ વિપક્ષી સરકારો સામે હથિયાર તરીકે થઈ શકે છે. મમતા બેનર્જીએ કહ્યું કે, આવા બિલ દેશમાં લોકશાહીને કાયમ માટે ખતમ કરી નાંખશે. આ સુપર ઇમરજન્સી તરફનું એક મોટું પગલું છે. આ સમય દરમિયાન કેટલાક વિપક્ષી સાંસદોએ લોકસભામાં બિલની નકલ ફાડી હોવાના પણ સમાચાર છે, પરંતુ અત્યાર સુધી કોઈ માહિતી મળી નથી કે કયા સાંસદોએ આવું કર્યું છે. હાલમાં લોકસભાની કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો