‘તારા જેવા 1000 પતિ રાખી શકું છું’ કોર્ટે પત્નીની ઉકસામણી ગણીને પતિની સજા ઘટાડી

મધ્ય પ્રદેશ હાઈકોર્ટે પત્નીની હત્યાના એક મામલામાં પતિની સજામાં મોટો ઘટાડો કર્યો છે. કોર્ટે પત્ની દ્વારા પતિ પર કરવામાં આવેલી ટિપ્પણી "તારા જેવા 1000 પતિ રાખી શકું છું" તેને ગંભીર અને અચાનક મળેલી ઉકસામણી ગણી છે. આ કેસમાં પતિએ ગુસ્સામાં આવીને પત્ની પર પથ્થર મારી તેની હત્યા કરી દીધી હતી. નીચલી અદાલતે (ટ્રાયલ કોર્ટે) આ મામલામાં પતિને આજીવન કેદની સજા સંભળાવી હતી, પરંતુ હવે હાઈકોર્ટે આ સજા બદલીને 7 વર્ષના સખત કારાવાસમાં ફેરવી નાખી છે.
જસ્ટિસ વિવેક અગ્રવાલ અને જસ્ટિસ અનનિંદ્ર કુમાર સિંહની બેન્ચે નોંધ્યું કે, આ પ્રકારની ટિપ્પણી દર્શાવે છે કે પત્નીની નજરમાં પતિની કોઈ કિંમત નહોતી. આ બાબત માત્ર એક પતિ તરીકે જ નહીં, પરંતુ તેના માનવીય અસ્તિત્વ માટે પણ ઠેસ સમાન છે. આવી અપમાનજનક ટિપ્પણી સાંભળીને પતિએ પોતાનો કાબૂ ગુમાવ્યો અને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
આ ઘટના મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાના ચૌરઈ વિસ્તારની છે. અહીં 18-19 જુલાઈની રાત્રે શિવા અને તેની પત્ની કિરણ વચ્ચે કુણબેહરી નદીના ખર્રા ઘાટ પાસે જોરદાર ઝઘડો થયો હતો. આરોપ મુજબ, ઝઘડા દરમિયાન કિરણે પતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, "હું તારા જેવા 1000 પતિ રાખી શકું છું." આ સાંભળીને શિવાએ પિત્તો ગુમાવતા એક મોટો પથ્થર કિરણ પર ફેંક્યો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ શિવો ત્યાંથી ભાગ્યો નહોતો, પરંતુ તેણે પોતે જ પોલીસ અને પત્નીના પિયરિયાઓને ફોન કરીને આખી ઘટનાની જાણ કરી હતી. નીચલી અદાલતે શિવાને દોષિત ઠેરવી આજીવન કેદ આપી હતી, જેની સામે તેણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
હાઈકોર્ટે ચુકાદામાં શું કહ્યું?
હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સુનાવણી દરમિયાન સ્વીકાર્યું કે, કિરણનું મોત શિવા દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે જ થયું છે. જોકે, કોર્ટે એ બાબત પર ખાસ ભાર મૂક્યો કે, આ ઘટના અચાનક થયેલા ઝઘડાનું પરિણામ હતું. આરોપી પહેલાથી જ પત્નીની હત્યાની યોજના બનાવીને ત્યાં ગયો હોય તેવું ક્યાંય સાબિત થતું નથી. અદાલતે આરોપીના ઘટના પછીના વર્તનની પણ પ્રશંસા કરી કે તેણે તુરંત પોલીસ અને સગા-સંબંધીઓને જાણ કરી હતી. હાઈકોર્ટે પત્નીના શબ્દોને 'ગંભીર અને અચાનક ઉશ્કેરણી' નો મામલો ગણાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપ્યો
ન્યાયાધીશોએ જણાવ્યું કે, જો આરોપી પત્નીની હત્યા કરવાના ઈરાદાથી ગયો હોત, તો તે ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો હોત. તે પોતે સામેથી પોલીસને ફોન ન કરત. બેન્ચે સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાઓનો હવાલો આપતા કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ અચાનક થયેલી ઉશ્કેરણીના કારણે પોતાના ગુસ્સા પરનું નિયંત્રણ ગુમાવી બેસે ત્યારે તેના ગુનાનું મૂલ્યાંકન સામાન્ય હત્યા તરીકે નહીં, પરંતુ સાપરાધ મનુષ્યવધ તરીકે થવું જોઈએ.
અદાલતે જણાવ્યું કે, આરોપીએ પત્ની પર વારંવાર પથ્થરથી હુમલો કર્યો હોય તેવું સાબિત થતું નથી. કેટલીક ઈજાઓ ઘટનાસ્થળે પથ્થરો પર પડવાને કારણે પણ થઈ હોઈ શકે છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આજીવન કેદની સજા રદ કરી 7 વર્ષની જેલની સજા ફટકારી છે.

