VIDEO: હું આધુનિક અભિમન્યુ છું, ચક્રવ્યૂહને ભેદી નાંખ્યું છેઃ ફડણવીસનો હુંકાર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે, રાજ્યમાં ફરી એકવાર મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં એકતરફી જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે પહેલીવાર મીડિયા સામે આવીને નિવેદન આપ્યું હતું. ફડણવીસે કહ્યું કે, હું આધુનિક અભિમન્યુ છું. ચક્રવ્યૂહને ભેદવાનું જાણું છું. અમે ચક્રવ્યૂહ ભેદી નાંખ્યું છે. મહાયુતિમાં સીએમ પદને લઈને કોઈ વિવાદ નથી. આ અંગે ત્રણેય પક્ષો સાથે મળીને નિર્ણય લેશે. આ જીત માટે સૌથી પહેલા મહારાષ્ટ્રની જનતાનો આભાર. આ અમારી જીત નથી પરંતુ મહારાષ્ટ્રની જનતાની જીત છે. તેમણે કહ્યું કે અમે ચક્રવ્યુહ તોડવામાં સફળ રહ્યા છીએ. મારો બહુ ઓછો આમાં સહયોગ છે. અમારી ટીમે કરેલા કામની આ જીત છે.
લોકોએ પોતાનો મેન્ડેટ આપી દીધો છે. એકનાથ શિંદેજીને રિયલ શિવસેના તરીકે પસંદ કરી લીધા છે. બાળાસાહેબ ઠાકરેની ઓરીજીનલ શિવસેના શિંદેને મળી છે. અને મૂળ એનસીપીની ક્રેડિટ અજીત પવારને મળી છે.
મહા વિકાસ આઘાડી મહાયુતિના તોફાન સામે ટકી શકી ન હતી અને 288માંથી માત્ર 55 બેઠકો જ મેળવી શકી છે. મહાયુતિને 223 બેઠકો મળી છે. સીએમ એકનાથ શિંદેએ ગઠબંધનની આ મોટી જીત માટે તમામ મતદારોનો આભાર માન્યો છે. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસે સીએમના ચહેરા પર કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે.

