‘હું રાજકારણ પહેલાંથી ખેડૂત છું, કંઈ છુપાવ્યું નથી’ કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરી સબસિડી વિવાદ પર સ્પષ્ટતા

કેન્દ્ર સરકાર જ્યારે પણ ડિજિટલ ટ્રાન્સફર અને સબસિડીની વાત કરે છે ત્યારે તેને પારદર્શિતાનું પ્રતીક ગણાવે છે. પરંતુ, દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે નવો વિવાદ છેડ્યો છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરી એક કમર્શિયલ કાકડીની ખેતીના પ્રોજેક્ટ માટે પોતાના જ મંત્રાલય હેઠળની યોજનામાંથી રૂપિયા 99.03 લાખની સબસિડી મેળવીને વિપક્ષના નિશાના પર આવી ગયા છે. આ અહેવાલ આવ્યા બાદ કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ ભાજપ પર 'ભ્રષ્ટાચાર'નો ગંભીર આરોપ લગાવ્યો છે, જ્યારે મંત્રીએ આક્ષેપોને નકારી કાઢતા કહ્યું છે કે તેઓ રાજકારણમાં આવ્યા તે પહેલાના ખેડૂત છે અને તેમણે કશું જ છુપાવ્યું નથી.
હોર્ટિકલ્ચર બોર્ડમાં વાઇસ પ્રેસિડેન્ટ છે કેન્દ્રીય મંત્રી ભગીરથ ચૌધરી
એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, કેન્દ્રીય મંત્રી ભગીરથ ચૌધરીએ નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા સંચાલિત મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર યોજના હેઠળ કાકડીની કમર્શિયલ ખેતી માટે રૂપિયા 99.03 લાખની સબસિડી મેળવી છે. ચોંકાવનારી બાબત એ છે કે, હોર્ટિકલ્ચર બોર્ડના નિયમો મુજબ કેન્દ્રીય કૃષિ મંત્રી તેના હોદ્દાની રૂએ પ્રમુખ હોય છે અને કૃષિ રાજ્ય મંત્રી તેના ઉપપ્રમુખ હોય છે. એટલે કે, જે બોર્ડના તેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે, તે જ બોર્ડમાંથી તેમને આ મોટી સબસિડી મળી છે.
આ વિવાદ મુદ્દે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ભગીરથ ચૌધરીએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે, હું એક ખેડૂત છું અને બાળપણથી જ ખેતી સાથે જોડાયેલો છું. મેં કંઈપણ છુપાવ્યું નથી. મેં આ સબસિડી માટે વર્ષ 2018માં (મંત્રી બન્યા પહેલા) જ અરજી કરી હતી અને મેં મારા પ્રોજેક્ટ માટે લીધેલી લોન અને સબસિડીની તમામ વિગતો સાર્વજનિક રીતે જાહેર કરેલી છે. દેશભરમાં હજારો ખેડૂતો પોલીહાઉસ બનાવે છે અને સબસિડી લે છે, તો મેં પણ લીધી છે. સ્થાનિક અધિકારીઓએ પણ આ પ્રોજેક્ટ સાઇટનું નિરીક્ષણ કર્યું છે. હું આ ફાર્મનો ઉપયોગ અન્ય ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ આપવા માટે કરું છું.
'મંત્રી પોતે જ અરજદાર, પોતે જ મંજૂરી આપનારા અને પોતે જ લાભાર્થી છે': કોંગ્રેસ
આ મામલે દેશભરના વિપક્ષી નેતાઓએ પીએમ નરેન્દ્ર મોદી સરકારને ઘેરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ ભાજપના ભ્રષ્ટાચાર સામેના 'ઝીરો ટોલરન્સ' ના દાવા પર કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપ માટે તો સબસિડી ઘરથી જ શરૂ થાય છે. મંત્રી પોતે જ અરજદાર છે, પોતે જ મંજૂરી આપનાર સત્તાધિકારી છે અને પોતે જ લાભાર્થી છે -જે સરકારી તિજોરીની લૂંટ છે.

