પશ્ચિમ બંગાળના નાદિયામાં હાઈ સ્પીડ કારે ત્રણ ઈ-રિક્ષાઓને મારી ટક્કર; સાતના મોત, આઠ ઘાયલ

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં હાઇ સ્પીડનો કહેર જોવા મળ્યો. શુક્રવારે છાપરા વિસ્તારના લક્ષ્મીગચ્છ ખાતે, એક ઝડપી કારે એક પછી એક ત્રણ ઈ-રિક્ષાઓને ટક્કર મારી હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા, જ્યારે આઠ લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ અંગે માહિતી આપી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે ઈ-રિક્ષા સવારો આગામી ઈદના તહેવારની ખરીદી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિરુદ્ધ દિશામાંથી આવતી એક ઝડપી એસયુવીએ એક પછી એક ત્રણ ઈ-રિક્ષાઓને ટક્કર મારી હતી, જેમાં ઇલેક્ટ્રિક વાહનોમાં સવાર સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને આઠ અન્ય ઘાયલ થયા હતા, જેમાંથી બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કાર ચાલકની શોધ શરૂ કરવામાં આવી છે, જે વાહન છોડીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

