રેલવે ટ્રેક પર કરાયો માટીનો ઢગલો, રાયબરેલીમાં લોકો પાયલોટની સમજદારીથી ટળ્યો અકસ્માત

યુપીમાં ટ્રેન પસાર થતા પહેલા રેલવે ટ્રેક પર અવરોધની ઘટનાઓ સતત વધી રહી છે. આવી જ એક ઘટના ફરી પ્રકાશમાં આવી છે. રવિવારના રોજ રાયબરેલી જિલ્લાના ખીરૂન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રઘુરાજ સિંહ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર માટીનો ઢગલો જોઈને પેસેન્જર ટ્રેનના લોકો પાયલોટે ટ્રેન રોકી હતી. પોલીસે આ ઘટનાને સમર્થન આપ્યું હતું. ખીરૂન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર (એસએચઓ) દેવેન્દ્ર ભદોરિયાએ જણાવ્યું હતું કે ડમ્પરમાંથી કેટલીક માટી રેલવે ટ્રેક પર પડી હતી, જેને દૂર કરવામાં આવી હતી અને માટી હટાવ્યા બાદ ટ્રેનની અવરજવર શરૂ થઈ હતી. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
ટ્રેક પર માટી નાખીને ડમ્પર ચાલક ભાગી ગયો હતો
સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં રાત્રીના સમયે ડમ્પરમાંથી માટી લઇ જવાની કામગીરી કરવામાં આવે છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે રવિવારે મોડી સાંજે પણ એક ડ્રાઇવર ડમ્પરમાંથી માટી લઈ રહ્યો હતો. સાંજના 7.55 વાગ્યાના સુમારે અચાનક રેલવે ટ્રેક પર માટી નાખ્યા બાદ તે ડમ્પર લઈને ભાગી ગયો હતો. થોડી જ વારમાં રાયબરેલી અને રઘુરાજ સિંહ સ્ટેશન વચ્ચે દોડતી શટલ ટ્રેન આવી, પરંતુ જ્યારે લોકો પાયલોટે રેલવે ટ્રેક પર માટીનો ઢગલો જોયો તો તેમણે ટ્રેન રોકી દીધી. સ્ટેશન અમુક અંતરે હોવાને કારણે ટ્રેનની સ્પીડ પણ ઓછી હતી. લોકો પાયલોટની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી.
ટ્રેન ધીમે ધીમે પસાર કરવામાં આવી
રેલવે ટ્રેક પરથી માટી હટાવ્યા બાદ ટ્રેનને ખૂબ જ ધીમેથી પસાર કરવામાં આવી હતી. આ દરમિયાન ગામલોકોની મોટી ભીડ પણ સ્થળ પર એકઠી થઈ ગઈ હતી. ગેટમેન શિવેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે ટ્રેન રઘુરાજ સિંહ સ્ટેશનની બહાર આવી ગઈ હતી, તેથી સ્પીડ ઓછી હતી. જો સ્પીડ વધુ હોત તો ટ્રેન પાટા પરથી ઉતરી શકી હોત. હાલ પોલીસ ટ્રક ચાલકને શોધવામાં વ્યસ્ત છે.

