"નશામાં લિસ્ટ બનાવી છે કે શું?": યુપી MLC ચૂંટણીની વોટર સ્લિપમાં પિતાના નામની જગ્યાએ 'મૂર્ખ યાદવ' અને 'B.Com' છપાતા મોટો વિવાદ!

ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ (MLC) ચૂંટણીની મતદાર પર્ચીઓમાં થયેલી ગંભીર ક્ષતિઓને લઈને મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. મતદાર સ્લિપમાં મતદારોના નામ અને પિતાના નામમાં થયેલા છબરડાઓને લઈને સમાજવાદી પાર્ટી (SP)ના ઉમેદવાર અને વર્તમાન MLC ડૉક્ટર માન સિંહ યાદવે ચૂંટણી પંચ અને પ્રશાસનની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે.
સપા ઉમેદવારે આરોપ લગાવ્યો છે કે કેટલીક મતદાર સ્લિપમાં પિતાના નામની જગ્યાએ શૈક્ષણિક લાયકાત 'B.Com' લખી દેવામાં આવી છે. આટલું જ નહીં, અન્ય એક પર્ચી પર અજીબોગરીબ લખાણ જોવા મળ્યું હતું, જેમાં કથિત રીતે 'રામે યાદવને માર્યા' અને પિતાના નામની જગ્યાએ 'મૂર્ખ ચંદ યાદવ' છપાયેલું જોવા મળ્યું છે. આ ગંભીર બેદરકારીને લઈને સપા ઉમેદવારે જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી છે.
'જાણે કોઈએ નશામાં લિસ્ટ બનાવ્યું હોય': સપા ઉમેદવારનો કટાક્ષ
આ પ્રકારની હાસ્યાસ્પદ અને ગંભીર ક્ષતિઓ સામે નારાજગી વ્યક્ત કરતાં ડૉક્ટર માન સિંહ યાદવે જણાવ્યું હતું કે, મતદાર યાદી જેવી સંવેદનશીલ બાબતમાં આવી ભૂલો ચિંતાજનક છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું, "આ યાદી જોઈને એવું લાગે છે કે જાણે કોઈએ નશાની હાલતમાં બેસીને મતદાર યાદી તૈયાર કરી હોય." તેમણે પ્રશાસન પાસે આ મામલે તાત્કાલિક સુધારા અને યોગ્ય પગલાંની માંગ કરી છે.
પ્રશાસનનું વલણ: નાની ભૂલોથી કોઈ મતદાનથી વંચિત નહીં રહે
આ સમગ્ર વિવાદ વચ્ચે પ્રયાગરાજના જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ કુમાર વર્માએ સ્પષ્ટતા કરી છે કે મતદાનની પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે સમગ્ર જિલ્લાને 50 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે અને ખાસ મોનિટરિંગ ટીમો તૈનાત કરવામાં આવી છે.
તેમણે મતદારોને આશ્વાસન આપતાં જણાવ્યું કે, મતદાર યાદી કે સ્લિપમાં થયેલી આવી સામાન્ય કારકુની ભૂલોના કારણે કોઈપણ સાચા મતદારને તેના મતાધિકારથી વંચિત રાખવામાં નહીં આવે. જોકે, તેમણે ચેતવણી પણ આપી હતી કે જો કોઈ વ્યક્તિનું નામ એક કરતાં વધુ બૂથની યાદીમાં સામેલ હોય, તો તેણે માત્ર એક જ સ્થળે મતદાન કરવું જોઈએ; અન્યથા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.










