ભારત-બાંગ્લાદેશ મેચ દરમિયાન ગ્વાલિયર બંધનું એલાન, જાણો કોણ કરી રહ્યું છે વિરોધ

હિંદુ મહાસભાએ પડોશી દેશમાં હિંદુઓ પરના અત્યાચારના વિરોધમાં આવતા મહિને યોજાનારી ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ મેચનો વિરોધ દર્શાવવા 6 ઓક્ટોબરે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બંધનું આહ્વાન કર્યું છે. જણાવી દઈએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 6 ઓક્ટોબરે ગ્વાલિયરમાં T20 મેચ રમાવાની છે.
સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયવીર ભારદ્વાજે જણાવ્યું કે હિન્દુ મહાસભા 6 ઓક્ટોબરે અહીં યોજાનારી ભારત-બાંગ્લાદેશ મેચનો વિરોધ કરી રહી છે. તેઓનો દાવો હતો કે, બાંગ્લાદેશમાં હિંદુઓ પર 'અત્યાચાર' હજુ પણ ચાલુ છે અને આવી સ્થિતિમાં બાંગ્લાદેશ સાથે ક્રિકેટ રમવું યોગ્ય નથી.
હિન્દુ મહાસભાએ મેચના દિવસે 'ગ્વાલિયર બંધ'નું આહ્વાન કરતા કહ્યું કે, આવશ્યક ચીજવસ્તુઓ પર કોઈ પ્રતિબંધ નહીં હોય. ભારદ્વાજે એવી પણ માંગ કરી હતી કે તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુની ભેળસેળમાં સામેલ લોકોને મૃત્યુદંડ આપવામાં આવે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવમાં પણ આ લાડુઓનું વિતરણ થયું હતું. તેમણે કહ્યું કે આ ઘટના (લાડુ વિવાદ)થી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
દેશના ફૂડ સેફ્ટી રેગ્યુલેટરે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં કથિત રીતે ખરાબ ક્વોલિટીનું ઘી સપ્લાય કરવા બદલ તમિલનાડુ સ્થિત ફર્મને કારણદર્શક નોટિસ જારી કરી છે, જ્યારે તિરુપતિ લાડુમાં પશુ ચરબીના કથિત ઉપયોગ અંગે સંપૂર્ણ તપાસ અને કડક કાર્યવાહી હાથ ધરવાની માગ કરાઈ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રવિવારે આરોપોની તપાસ માટે વિશેષ તપાસ કમિટીની રચનાની જાહેરાત કરી હતી.

