'31 માર્ચ પહેલા હથિયાર નાખી દો', અમિત શાહે નક્સલીઓને આપી અંતિમ ચેતવણી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના પ્રવાસે છે. રાજ્યના બસ્તરમાં અમિત શાહે માં દંતેશ્વરીના દર્શન કર્યા હતા અને તે બાદ જગદલપુરમાં 'બસ્તર દશેરા લોકોત્સવ' અને 'સ્વદેશી મેલા'ને સંબોધિત કર્યો હતો જ્યાં તેમણે નક્સલીઓને ચેતવણી આપી હતી.
નક્સલીઓએ હવે હથિયાર નાંખવા જ પડશે-અમિત શાહ
કાર્યક્રમને સંબોધતા અમિત શાહે સ્પષ્ટ કર્યું કે નક્સલીઓએ હવે હથિયાર નાંખવા જ પડશે. આ સાથે જ તેમણે કહ્યું કે નક્સલવાદના ખતરાને અલવિદા કહેવા માટે 31 માર્ચ, 2026નો સમય નક્કી કરવામાં આવ્યો છે.
હવે વાત કરવા માટે કંઇ બાકી જ નથી- અમિત શાહ
અમિત શાહે સ્પષ્ટ કર્યું કે નક્સલીઓ સાથે વાતચીતની કોઇ સંભાવના નથી. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, સરકારની લાભદાયક આત્મસમર્પણ અને પુનર્વાસની નીતિને સ્વીકાર કર્યા બાદ તેમણે (નક્સલી)ઓએ હથિયાર નાખવા જ પડશે. કેટલાક લોકોએ (નક્સલી) સાથે વાતચીતનું આહવાન કર્યું છે. હું ફરી એક વખત સ્પષ્ટ કરી દઉં કે છત્તીસગઢ અને કેન્દ્ર સરકાર, બન્ને બસ્તર અને તમામ નક્સલ પ્રભાવિત વિસ્તારોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. હવે વાત કરવાની શું વાત છે? એક આકર્ષક આત્મસમર્પણ અને પુનર્વાસની નીતિ લાગુ કરવામાં આવી છે. આગળ આવો અને પોતાના હથિયાર નાખી દો.
શાંતિ ભંગ કરનારાઓને મળશે જડબાતોડ જવાબ- અમિત શાહ
અમિત શાહે ચેતવણી આપતા કહ્યું કે, હથિયારોના બળ પર બસ્તરની શાંતિ ભંગ કરનારા સુરક્ષાદળોને જડબાતોડ જવાબ આપીશું. અમિત શાહે કહ્યું કે દિલ્હીમાં કેટલાક લોકો વર્ષોથી ખોટી સૂચના ફેલાવતા રહ્યા છે કે નક્સલવાદનો જન્મ વિકાસની લડાઇ માટે થયો હતો પરંતુ હું પોતાના આદિવાસી ભાઇઓને જણાવવા આવ્યો છું કે બસ્તર વિકાસથી વંચિત રહ્યો છે, તેનું મૂળ કારણ નક્સલવાદ છે.
બસ્તરમાં આયોજિત આ કાર્યક્રમને સંબોધતા અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે 10 વર્ષમાં છત્તીસગઢના વિકાસ માટે 4 લાખ કરોડ રૂપિયાથી વધુ આપ્યા છે. વડાપ્રધાન તરફથી હું તમને જણાવી દઉં કે 31 માર્ચ 2026 બાદ નક્સલી તમારા વિકાસને નહીં રોકી શકે.

