પંચતત્ત્વમાં વિલિન થયા મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ પંચત્તત્વમાં વિલિન થયા છે. ડૉ. મનમોહનસિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાહુલ ગાંધી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.
કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષ મનમોહન સિંહનું સ્મારક બનાવવાની માંગ કરતા હતા જેના પર સરકારે સહમતિ આપી છે, તેના માટે એક ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે 26 ડિસેમ્બરની રાત્રે મનમોહન સિંહનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું.
સાત દિવસ રાષ્ટ્રીય શોકની જાહેરાત
ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પક્ષના રાજકારણથી ઉપર ઉઠી દેશના દરેક દિગ્ગજ નેતાઓ જ નહીં વિદેશના નેતાઓએ પણ શુક્રવારે મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ વડાપ્રધાનને જે રીતે દેશ-વિદેશમાં તેમના આર્થિક સુધારા અને ભારતના વિકાસમાં યોગદાન બદલ યાદ કરાયા છે તે જોતાં 'ઈતિહાસ મારા પ્રત્યેક મીડિયા-વિપક્ષ કરતાં દયાળુ રહેશે' તેવું મનમોહન સિંહનું કથન સાચું પડયું છે. મનમોહનસિંહ દેશના પહેલા શીખ વડાપ્રધાન અને સૌથી લાંબો સમય સત્તા પર રહેનારા ચોથા નેતા હતા.

