મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પુતિનના સન્માનમાં ઔપચારિક રાત્રિભોજન, ખડગે-રાહુલ ગાંધીને આમંત્રણ ન મળતા રાજકારણમાં ગરમાવો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સન્માનમાં આજે રાત્રે રાષ્ટ્રપત

પુતિનના સન્માનમાં ઔપચારિક રાત્રિભોજન, ખડગે-રાહુલ ગાંધીને આમંત્રણ ન મળતા રાજકારણમાં ગરમાવો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સન્માનમાં આજે રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક રાત્રિભોજન યોજાયું છે. જેને લઈને રાજકીય બજાર ગરમ છે. કેમ કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. કોંગ્રેસના સાંસદ શશી થરૂરને આ કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે.

કોંગ્રેસના મહાસચિવ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે આ મુદ્દા પર જણાવ્યું હતું કે, ઘણી અટકળો વચ્ચે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે લોકસભા અને રાજ્યસભા બંનેના વિપક્ષના નેતાને રાષ્ટ્રપતિ પુતિનના સન્માનમાં આયોજિત રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી.

રાહુલ ગાંધીએ લગાવ્યા સરકાર પર આ આરોપ

આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, "સામાન્ય રીતે વિદેશથી આવનારા નેતાઓ સાથે વિપક્ષની પણ મુલાકાત કરાવવાની પરંપરા રહી છે. વાજપેયી અને મનમોહન સિંહ સરકાર દરમિયાન હંમેશા આવું થતું હતું, પરંતુ આજકાલ સરકાર તેમને વિપક્ષના નેતા સાથે ન મળવાની સલાહ આપે છે. આ તેમની નીતિ છે, અને તેઓ હંમેશા આમ કરે છે. અમે પણ ભારતનું પ્રતિનિધિત્વ કરીએ છીએ." રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રણ અંગેના આ વિવાદે સરકાર અને વિપક્ષ વચ્ચે એક નવો સંઘર્ષ ઉભો કર્યો છે.

શશિ થરૂરને પુતિન સાથેના રાત્રિભોજનનું આમંત્રણ મળ્યું

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા રાત્રિભોજનમાં વ્યવસાય, રાજકારણ અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોના વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે આ અંગે કહ્યું હતુ કે, "વિદેશ બાબતો સમિતિના અધ્યક્ષ તરીકે, મને રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, અને હું હાજરી આપીશ. અગાઉ, LOP સહિત ઘણા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેનાથી સકારાત્મક છાપ ઉભી થઈ હતી." તેમણે કહ્યું કે, આપણે બધાએ વિદેશ નીતિમાં એક થવું જોઈએ કારણ કે આપણા હૃદયમાં ફક્ત ભારતનું હિત છે.

આ સમાચાર શેર કરો