VIDEO: કઠુઆમાં CISF કેમ્પમાં ફાયરિંગ, જવાને સાથી કર્મચારીઓ પર ચલાવી ગોળીઓ, 4 ના મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બસોહલી માશ્કા વિસ્તાર સ્થિત સેવા-2 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં તૈનાત CISF ના કોન્સ્ટેબલે યુનિટના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત 4 લોકોને ગોળી મારી દીધી. આ ઘટનામાં ચારેયના મોત થયા છે. ગોળીબારનું કારણ આરોપી કોન્સ્ટેબલને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને અન્ય કર્મચારીઓ દ્વારા નોકરી પર હેરાન કરવામાં આવી રહ્યો હતો તેવું જણાવવામાં આવી રહ્યું છે, જોકે હજુ સુધી તેની કોઈએ પુષ્ટિ કરી નથી. કઠુઆના SSP મોહિતા શર્માએ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે આ ઘટના બની છે અને ચાર લોકોના મોત થયા છે. આ પાછળનું કારણ શું હતું, તેની પોલીસ તપાસ કરી રહી છે. સાંજે લગભગ 4 વાગ્યે ડ્યુટી પર તૈનાત હેડ કોન્સ્ટેબલ અભિદેશ કુમારે કથિત રીતે પોતાની સર્વિસ રાઇફલથી સાથી કર્મચારીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરી દીધો. જેમાં યુનિટના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અંકિત કુમાર પાંડે, SI લક્ષ્મણ સિંહ, કોન્સ્ટેબલ સંજીવ કુમાર અને કોન્સ્ટેબલ મોહમ્મદ રફીક ગંભીર રીતે ઘાયલ થયા હતા.આરોપીએ એક પછી એક દરેક પર ઓછામાં ઓછી 10 થી 15 ગોળીઓ ચલાવી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મૃતક જવાનો અને અધિકારી CISF ની ઇન્ટેલિજન્સ ટીમના હતા.

