VIDEO: હરદોઈમાં બાળકોની ખાનગી હોસ્પિટલમાં લાગી આગ, 24થી વધુ બાળકોને બચાવાયા
ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક ખાનગી બાળકોની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. જેના લીધે સમગ્ર પરિસરમાં ગભરાટ ફેલાયો હતો. હોસ્પિટલના ભોંયરામાં આગ લાગી હતી પરંતુ ધુમાડાએ ઉપરના માળને ઝપેટમાં લીધો હતો. દર્દીઓને બચાવવા માટે લોકોએ સીડી અને ધોતીનો દોરડા તરીકે ઉપયોગ કરીને નીચે ઉતાર્યા હતા.
ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના દરમિયાન લગભગ બે ડઝન બાળકો હોસ્પિટલમાં દાખલ હતા. આ સિવાય તેમના સગા સંબંધી અને સારવાર કરનાર ડોક્ટર નર્સ વગેરે હાજર હતા. હોસ્પિટલના નીચેના માળે લોકો સરળતાથી બહાર નીકળી ગયા, પરંતુ બીજા માળે હાજર દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને સીડી તેમજ ધોતી બાંધીને નીચે ઉતારવામાં આવ્યા હતા. કેટલાક ગંભીર બાળકોને બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક હોસ્પિટલની બહાર હાજર હતા.
ઘટનાની માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડે ભોંયરામાં આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ આ સમય દરમિયાન આગને કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આગ દરમિયાન હોસ્પિટલોમાં અગ્નિશામક સાધનોની નિષ્ફળતા પણ સામે આવી હતી. આગ ભોંયરા પૂરતી સીમિત રહેતા મોટી દુર્ઘટના ટળી હતી.

