મુંબઇમાં બહુમાળી ઈમારતના 24 માં માળે લાગી આગ; એક મહિલાનું મોત, 18 ઇજાગ્રસ્ત

મુંબઈના દહિસરમાં એક બહુમાળી ઇમારતના 24મા માળે ભીષણ આગ લાગી હતી. ઘટનામાં 36 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જો કે એક મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. 18 જેટલા ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં એક મનોદિવ્યાંગ યુવતીની હાલત ગંભીર છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું હતું કે સાંજે 6:10 વાગ્યે લગભગ ત્રણ કલાકમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. તંત્રના અધિકારીઓએ આગના કારણની તપાસ શરૂ કરી દીધી છે. સમયસર બચાવ કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી ગઈ, પરંતુ ઇજાગ્રસ્તોની પરિસ્થિતિ પર હજુ પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સ્થાનિક લોકોએ શું કહ્યું?
સ્થાનિક લોકોએ જણાવ્યું કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ-તંત્રે તત્પરતા દાખવી અને ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરતા મોટી જાનહાનિ ટળી હતી.

