VIDEO: દિલ્હીની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ગભરાટમાં ઈમારત પરથી કૂદતા 6 લોકો ઘાયલ
ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં રવિવારે એક સ્પોર્ટ્સ ગિયર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે આગમાં કોઈનું સીધું મોત કે ગંભીર ઈજા થઈ નથી, પરંતુ ગભરાટના માહોલમાં સામેની ઇમારતમાં રહેતા કેટલાક લોકો ઉપરથી કૂદી પડતા 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેઓ હાલ જોખમ બહાર હોવાનું પોલીસએ જણાવ્યું છે.
જુડો ડ્રેસ અને બોક્સિંગ ગ્લવ્ઝ બનાવતી ફેક્ટરીમાં લાગી આગ
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આગ સ્વરૂપ નગરની ગલી નંબર-2માં આવેલી એક ફેક્ટરીમાં લાગી હતી. ફેક્ટરીમાં જુડો ડ્રેસ અને બોક્સિંગ ગ્લવ્ઝનું ઉત્પાદન કરવામાં આવતું હતું. આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળે ફેલાઈ ગઈ હતી.
ગભરાટમાં લોકો ઇમારત પરથી કૂદ્યા, 6 લોકો ઘાયલ
આગ લાગ્યા સમયે ફેક્ટરીની અંદર કોઈ હાજર નહોતું. જોકે આગને કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને સામેની ઇમારતમાં રહેતા કેટલાક લોકો સુરક્ષાની ભીતિથી ઉપરથી કૂદી પડ્યા હતા. આ ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની સ્થિતિ જોખમ બહાર હોવાનું પોલીસે જણાવ્યું છે.
15 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડાવાયા
દિલ્હી ફાયર સર્વિસને સવારે 11:05 વાગ્યે આગની જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 15 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ફાયર વિભાગે તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.
અનેક કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ
ફાયર ફાઇટર્સે સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આગથી કોઈનું સીધું મોત થયું નથી અને ફેક્ટરીની અંદર કોઈ ફસાયેલું પણ નહોતું.
આગનું કારણ હજુ સ્પષ્ટ નથી
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ અને ફાયર વિભાગ ઘટનામાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે તેમજ આગ પાછળના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત લોકોની ઓળખ અને ઘટનાની વધુ વિગતો પણ એકત્ર કરવામાં આવી રહી છે.

