Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'FIR in donation theft is just a play, a way to save big heads', attack on Kejriwal in Ayodhya

'દાન ચોરીમાં FIR માત્ર નાટક, મોટા માથાઓને બચાવવાનો કારસો', અયોધ્યામાં કેજરીવાલ પર પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
'દાન ચોરીમાં FIR માત્ર નાટક, મોટા માથાઓને બચાવવાનો કારસો', અયોધ્યામાં કેજરીવાલ પર પ્રહાર
સોર્સ : gstv

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલ શુક્રવારે અયોધ્યા રામમંદિર દર્શનાર્થે પહોંચ્યા હતા. અહીં તેમણે ભવ્ય રામ મંદિરમાં રામલલાના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. જો કે, દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન કેજરીવાલે મંદિરમાં થયેલી ચઢાવા (ચંદા) ચોરીના મુદ્દે સરકાર અને વહીવટીતંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે આ મામલે દાખલ કરવામાં આવેલી FIR માત્ર એક દેખાડો અને છળ છે.

App Store

ભ્રષ્ટાચારના તાર ખૂબ ઉપર સુધી જોડાયેલા છે: પૂર્વ મુખ્યમંત્રી

સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, "આટલા મોટા કૌભાંડને આટલા લાંબા સમય સુધી માત્ર જુનિયર સ્તરના કર્મચારીઓ એકલા હાથે અંજામ આપી ન શકે. આ બાબત સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચારના તાર અને કડીઓ ખૂબ ઉપર બેઠેલા લોકો સુધી જોડાયેલી છે. આ તપાસમાં અસલી વગદાર અને પ્રભાવશાળી લોકોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જ્યારે બધો જ દોષ નીચલા સ્તરના કર્મચારીઓના માથે ઢોળી દેવામાં આવી રહ્યો છે."

ભગવાન રામના દરબારમાં ન્યાયની ગુહાર લગાવતા તેમણે ઉમેર્યું કે, "અમે પ્રભુ રામલલાના દર્શન કર્યા છે અને મંદિરમાં થયેલા આ મહાકૌભાંડ અંગે ભગવાનને પ્રાર્થના કરી છે કે, જે લોકોએ પણ આ પાપ કર્યું છે અને કરોડો ભક્તોની અતુટ આસ્થા સાથે ખીલવાડ કર્યો છે, તેમને પ્રભુ શ્રીરામ કઠોરમાં કઠોર સજા આપે."

જમીન ખરીદીમાં પણ મોટા પાયે ભેદભાવનો આક્ષેપ
આ મુલાકાત દરમિયાન કેજરીવાલની સાથે આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે એક દિવસ પહેલા જ લખનૌ પહોંચેલા સંજય સિંહે રામ મંદિર ટ્રસ્ટ પર જમીન ખરીદીમાં પણ મોટા પાયે ભેદભાવ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. સંજય સિંહના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટ દ્વારા રામ મંદિરની નજીકની જમીનો ખૂબ જ સસ્તા ભાવે ખરીદવામાં આવી છે, જ્યારે મંદિરથી દૂર આવેલી જમીનોને મોંઘા ભાવે ખરીદીને ટ્રસ્ટના નજીકના લોકોને આર્થિક ફાયદો પહોંચાડવામાં આવ્યો છે.

પીએમ (PM) ની મજબૂરી પર કેજરીવાલના સવાલ

ચંદા ચોરીના મામલે કેજરીવાલ સતત આક્રમક વલણ અપનાવી રહ્યા છે. એક દિવસ પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને સીધા સવાલો ઉઠાવ્યા હતા કે, "ચંપત રાયે પીએમને હિસાબ આપવાની ના પાડી દીધી. ચંપત રાયની આટલી હિંમત કેવી રીતે થઈ? તેઓ એવા કયા રહસ્યો જાણે છે કે પીએમ પણ તેમની સામે મજબૂર દેખાઈ રહ્યા છે? અને બીજી તરફ, SIT માત્ર નાના કર્મચારીઓને બોલાવીને તપાસના નામે લોકોની આંખોમાં ધૂળ ઝોંકી રહી છે."

અયોધ્યામાં કેજરીવાલ અને સંજય સિંહના આ આકરા પ્રહારો બાદ હવે આ મુદ્દે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં આ મામલે વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી સંભાવના છે.