AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે વધુ એક FIR, 571 કરોડના પ્રોજેક્ટમાં આટલા કરોડની લાંચનો આરોપ

દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારમાં પીડબ્લ્યુડી મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. AAPના વરિષ્ઠ નેતા વિરુદ્ધ બીજો કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી ACBએ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ FIR નોંધી છે. ૫૭૧ કરોડ રૂપિયાના સીસીટીવી પ્રોજેક્ટમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં ૭ કરોડ રૂપિયાની લાંચ લેવાનો તેમના પર આરોપ લાગ્યો છે.
ત્યેન્દ્ર જૈને 7 કરોડ રૂપિયાની લાંચ લઈને આ દંડ માફ કર્યો
દિલ્હી સરકારે તમામ 70 વિધાનસભા બેઠકો પર કુલ 1.4 લાખ સીસીટીવી કેમેરા લગાવવા માટે 571 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) ને સીસીટીવી લગાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ સીસીટીવી લગાવવામાં વિલંબ થવાને કારણે કંપનીને ૧૬ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે સત્યેન્દ્ર જૈને 7 કરોડ રૂપિયાની લાંચ લઈને આ દંડ માફ કર્યો હતો.
મીડિયા રિપોર્ટ દ્વારા ACB ને માહિતી મળી
ACB જોઈન્ટ કમિશ્નર મધુર વર્માએ કહ્યું કે, આ કથિત કૌભાંડ વિશે સૌપ્રથમ એક મીડિયા રિપોર્ટ દ્વારા ખબર પડી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, BEL ને ફટકારવામાં આવેલ દંડ એક મોટા ભ્રષ્ટાચારના કેસના ભાગ રૂપે માફ કરવામાં આવ્યો હતો. જ્યારે ACB અધિકારીઓએ આ મામલાની તપાસ કરી ત્યારે BELના એક અધિકારીએ આ આરોપોની પુષ્ટિ કરતા સમગ્ર વિગતો આપી હતી. જે પછીથી ACB એ PWD અને BEL પાસેથી જરૂરી દસ્તાવેજો લઈને તપાસ શરૂ કરી.
ACB એ FIR દાખલ કરવાની પરવાનગી માગી
ફરિયાદીના જણાવ્યા મુજબ, આ લાંચ અલગ અલગ કોન્ટ્રાક્ટરો દ્વારા આપવામાં આવી હતી. આ કોન્ટ્રાક્ટરોને BEL તરફથી CCTV કેમેરાના નવા કન્સાઇનમેન્ટ માટે ઓર્ડર આપવામાં આવ્યા હતા અને તેમના ઓર્ડર મૂલ્યને જાણી જોઈને વધારી દેવામાં આવ્યું હતું. આ વધેલી રકમમાંથી 7 કરોડ રૂપિયાની લાંચની ગોઠવણ થઈ હતી. સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારમાં મંત્રી હોવાથી ACBએ તેમની સામે FIR નોંધવા માટે પહેલા સરકારની મંજૂરી (કલમ 17-A, POC એક્ટ) લેવી પડી હતી. આ મંજૂરી મળ્યા બાદ ACB એ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ FIR નોંધી હતી.

