RG કર હોસ્પિ.ના દુષ્કર્મ કાંડને એક વર્ષ પૂર્ણ થતાં બંગાળ સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવ, પીડિતાના માતા-પિતાને ઇજા

પશ્ચિમ બંગાળની આરજી કર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસના એક વર્ષ પૂર્ણ થતા ભાજપના નબન્ના અભિયાન દરમિયાન કોલકાતા અને હાવડા વિસ્તારમાં દેખાવ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં પીડિતાના માતા-પિતા ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ સાથેના ઘર્ષણમાં ભાજપના નેતા અર્જુન સિંહ પણ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી ધરણા પર બેઠા છે.
ભાજપના નબન્ના અભિયાનને લઈને હંગામો
અહેવાલો અનુસાર, શનિવારે (નવમી ઓગસ્ટ) પશ્ચિમ બંગાળમાં ભાજપના નબન્ના અભિયાનને લઈને ખૂબ જ હંગામો થયો હતો. કોલકાતાના પાર્ક સ્ટ્રીટ પર પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું હતું. જ્યા શુભેન્દુ અધિકારી અને અગ્નિમિત્ર પોલ સહિતના ભાજપના નેતાઓ પાર્ક સ્ટ્રીટ પર ધરણા પર બેઠા હતા.
વિધાનસભાની બહાર ઊભા રહીને શુભેન્દુ અધિકારીએ મમતા સરકાર અને પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ તેમણે શંકર ઘોષ સહિત 15 ભાજપના ધારાસભ્યો સાથે સરઘસ કાઢ્યું હતું. જે પાર્ક સ્ટ્રીટ પાસે સરઘસ અટકાવવામાં આવ્યું. ત્યારબાદ શુભેન્દુ અધિકારીએ સરઘસનો રૂટ બદલી નાખ્યો અને પાર્ક સ્ટ્રીટ ચોકડી પર ગયા અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા. આ દરમિયાન દેખાવકારોની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી.
પોલીસે પીડિતાના પિતા અને માતા પર પણ હુમલો કર્યો
ભાજપ નેતા કૌસ્તવ બાગચીનો દાવો છે કે પોલીસે પીડિતાના પિતા અને માતા પર પણ હુમલો કર્યો હતો. શુભેન્દુ અધિકારીએ દાવો છે કે ઓછામાં ઓછા 100 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન સંતરાગાછીમાં પણ ભારે તણાવ છે. ત્યાં, સરઘસમાં પોલીસ બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસ પર પાણીની બોટલો અને બંગડીઓ ફેંકવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કોલકાતા હાઈકોર્ટે કહ્યું હતું કે, સરઘસ શરતો સાથે શાંતિપૂર્ણ હોવી જોઈએ. રાજ્ય પોલીસે પણ આ વાત સાથે સંમતિ આપી હતી. નબન્ના નજીક ભેગા થવું શક્ય ન હોવાથી, સંતરાગાછીને વૈકલ્પિક સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.

