મહાકાલ મંદિરમાં સંધ્યા અને શયન આરતી માટે 250 રૂપિયા ફી, ભાજપ ધારાસભ્યે જ સરકારને ઘેરી
ઉજ્જૈનમાં બાબા મહાકાલની નગરીમાં નવી વ્યવસ્થા લાગુ થઈ છે. હવે સંધ્યા અને શયન આરતીમાં હાજરી આપવા

ઉજ્જૈનમાં બાબા મહાકાલની નગરીમાં નવી વ્યવસ્થા લાગુ થઈ છે. હવે સંધ્યા અને શયન આરતીમાં હાજરી આપવા માટે દર્શનાર્થીઓએ અધિકૃત વેબસાઈટ પર 250 રૂપિયા આપીને પહેલેથી સ્લોટ બુક કરવો પડશે. બપોરે 12 વાગ્યાથી સંધ્યા આરતી માટે અને સાંજે 4 વાગ્યાથી શયન આરતીનું ઓનલાઈન બુકિંગ શરૂ થશે. પ્રવેશ સમય પણ નક્કી કરી દેવાયો છે. જેથી આરતી દરમિયાન ભીડ નિયંત્રણમાં રહે અને દર્શનાર્થીઓ સુવ્યવસ્થિત રીતે દર્શન કરી શકે.
મંદિર પ્રશાસન સમિતિએ જણાવ્યું કે, શ્રી મહાકાલેશ્વર મંદિરમાં સંધ્યા અને શયન આરતીનું ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું છે. શ્રદ્ધાળુ અધિકૃત વેબસાઈટ પર 250 રૂપિયા ફી ભરીને સ્લોટ બુક કરી શકે છે. વહેલા તે પહેલાના ધોરણે દર્શનની વ્યવસ્થા કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે મંદિર સમિતિનો ઉદ્દેશ્ય ડિજિટલ માધ્યમથી પારદર્શી સુચારુ વ્યવસ્થા અને શ્રદ્ધાળુઓ માટે અનુકૂળ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું છે. જેનાથી વધુને વધુ દર્શનાર્થીઓ આરતીનો લાભ લઈ શકે. આ નવી વ્યવસ્થા શ્રદ્ધાળુઓ માટે એક મોટું પગલું છે. જેનાથી તે સરળતાથી આરતીઓનું બુકિંગ કરી શકશે અને ભગવાન મહાકાલના દર્શન કરી શકશે.
મંદિર સમિતિનો દાવો છે કે આ ડિજિટલ સિસ્ટમ પારદર્શિતા વધારશે અને અંધાધૂંધી અટકાવશે. સાંજની આરતી માટે પ્રવેશનો છેલ્લો સમય સાંજે 6 વાગ્યાનો રહેશે, જ્યારે શયન આરતીનો છેલ્લો સમય રાત્રે 10 વાગ્યાનો રહેશે. બંને આરતીઓ માટે નિર્ધારિત સમય દરમિયાન અને ચલિત દર્શન પ્રક્રિયા પણ સંચાલિત કરવામાં આવશે. જેથી ભક્તો વ્યવસ્થિત રીતે દર્શનનો લાભ લઈ શકે.
જીતુ પટવારીએ મુખ્યમંત્રીને કર્યા સવાલ
પૈસા આપીને આરતીની આ વ્યવસ્થા ઉપર વિવાદ પેદા થયો છે. વિપક્ષી કોંગ્રેસ પાર્ટીએ તેને અધર્મ ગણાવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારીએ પોસ્ટ કરીને લખ્યું છે કે, મુખ્યમંત્રી મોહન યાદવજી, આ કેવા પ્રકારનો અધર્મ છે? ઉજ્જૈનના જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં ભક્તોએ હવે સાંજની આરતી અને શયન આરતી દર્શન માટે 250 રૂપિયા ચૂકવવા પડશે. આ કેવા પ્રકારના બેવડા ધોરણો છે? એક તરફ તમે સનાતન ધર્મ અને શ્રદ્ધા વિશે વાત કરો છો જ્યારે બીજી તરફ ભગવાનના મંદિરમાં દર્શન માટે પણ ચાર્જ લો છો? મુખ્યમંત્રી જી? આ ભક્તોનું અપમાન છે અને તમારા અરાજકતાનો ઘમંડ પણ..."
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શન માટે ફીનો માત્ર કોંગ્રેસ જ વિરોધ કરે છે એવું નથી. પરંતુ ભાજપના ધારાસભ્યે પણ વિરોધ દર્શાવ્યો છે. ઉજ્જૈનના સાંસદ રહી ચૂકેલા અને વર્તમાનમાં આલોટથી ભાજપના ધારાસભ્ય ડો. ચિંતામણી માલવીયએ સંધ્યા અને શયન આરતી પર ચાર્જને ખોટો ગણાવ્યો છે. તેમણે માંગ કરી છે કે આના વિરુદ્ધ બધાએ અવાજ ઉઠાવવો જોઈએ. ચિંતામણી માલવીયએ ફેસબુક પર પોસ્ટ કરતા લખ્યું કે મહાકાલમાં સંધ્યા અને શયન આરતીને પેમેન્ટ મોડ પર રાખવી ખેદજનક છે. તમામ જનપ્રતિનિધિઓએ આ બાબતે અસમહતિ વ્યક્ત કરવી જોઈએ.








