નાગપુર: ગનપાઉડર બનાવતી ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 5ના મોત

નાગપુરમાં ગુરુવારે એક ગનપાવડર બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. ફેક્ટરીમાં કામ કરતા ઓછામાં ઓછા 4-5 લોકના મોત નિપજ્યા છે, જ્યારે ઘણા કામદારો ઘાયલ થયા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અંદર ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે.
બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી
પ્રાપ્ત માહિતી પ્રમાણે નાગપુરના ધમાના વિસ્તારમાં આવેલી એક વિસ્ફોટક પદાર્થ બનાવવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ આસપાસના ઘણા વિસ્તારોમાં સંભળાયો હતો. બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેનો ધુમાડો કેટલાય કિલોમીટર દૂર સુધી જોવા મળ્યો હતો.
ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
સ્થાનિક લોકોએ વિસ્ફોટ અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ અત્યાર સુધીમાં કેટલાક દાઝી ગયેલા કામદારોને બચાવી લીધા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

