ઈથેનોલના કારણે ખાંડ મોંઘી થઈ? કેન્દ્ર સરકારે દાવો ફગાવી ભાવવધારાના આપ્યા આ કારણ

તહેવારોની સીઝન વચ્ચે ખાંડના વધતા ભાવને નિયંત્રિત કરવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર એક્શન મોડમાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં સરકારે ઘણા મોટા નિર્ણયો લીધા છે. જોકે, સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ખાંડના ભાવ વધારા માટે ઇથેનોલને જવાબદાર ગણાવી શકાય નહીં. વિપક્ષી રાજકીય પક્ષો દાવો કરી રહ્યા છે કે, ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીનો વપરાશ વધવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તેથી સરકારે હવે આ અંગે સ્પષ્ટતા કરી છે.
ઇથેનોલને જવાબદાર ગણાવવું યોગ્ય નથી
સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા અધિકૃત નિવેદનમાં જણાવાયું છે કે, ખાંડની વર્તમાન મોંઘવારી માટે ઇથેનોલ ઉત્પાદનને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. ઇથેનોલ બનાવવા માટે વપરાતી ખાંડનો હિસ્સો 2022-23માં લગભગ 12% થી ઘટીને 2025-26માં માત્ર 9% આસપાસ રહી ગયો છે. આ ઉપરાંત દેશમાં બનતા ઇથેનોલનો લગભગ ત્રણ-ચતુર્થાંશ (75%) હિસ્સો હવે અનાજ, ખાસ કરીને મકાઈમાંથી તૈયાર થાય છે. આ સાથે સરકારે જણાવ્યું કે, ઇથેનોલે સુગર મિલોની આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં મદદ કરી છે. 20 ઓગસ્ટ 2026 સુધીમાં 2025-26ની સિઝન માટે શેરડીના ખેડૂતોના 97% બાકી નાણાં ચૂકવી દેવાયા છે. 2014 થી 2021 વચ્ચે ખાંડ ઉદ્યોગને આશરે ₹ 14,600 કરોડની સબસિડી આપવામાં આવી હતી, જ્યારે 2021-22 પછી આવી કોઈ સબસિડી જાહેર કરવાની જરૂર પડી નથી.
કેમ વધી રહ્યા છે ભાવ?
સરકારનું કહેવું છે કે, ખાંડના ભાવમાં વર્તમાન વધારો અનેક પરિબળોને કારણે થઈ રહ્યો છે.
અપેક્ષા કરતાં ઓછું સ્થાનિક ઉત્પાદન
તહેવારોની મોસમ પહેલાં વધતી માંગ
હવામાનના કારણે શેરડીના પાકને થયેલું નુકસાન
વૈશ્વિક સ્તરે ખાંડના પુરવઠામાં અછત
ઉદ્યોગ જગતના કેટલાક વર્ગો દ્વારા સટ્ટાખોરી અને જમાખોરી
આ સ્પષ્ટતા એવા સમયે આવી છે, જ્યારે રિટેલ બજારમાં ખાંડનો ભાવ ₹70 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.
અંદાજ કરતાં ઓછું થયું ખાંડનું ઉત્પાદન
ચાલુ સિઝનમાં દેશમાં આશરે 306 લાખ ટન ખાંડ ઉત્પાદનનો અંદાજ છે, જ્યારે શેરડી ઉત્પાદક રાજ્યોનો પ્રારંભિક અંદાજ આશરે 343 લાખ ટનનો હતો. સરકારે જણાવ્યું કે, શેરડીમાં 'રેડ રોટ' અને 'ટોપ બોરર' જેવી બીમારીઓ તેમજ ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ઉત્પાદન પર અસર પડી છે. જોકે, ઉત્પાદન ઘટવા છતાં, ઓક્ટોબરમાં નવી પિલાણ સિઝન શરૂ થાય ત્યાં સુધી ઘર આંગણાની માંગ પૂરી કરવા માટે પૂરતો ખાંડનો સ્ટોક ઉપલબ્ધ છે.
વિશ્વભરમાં વધ્યા ભાવ
ખાંડની મોંઘવારી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જોવા મળી છે. 2026-27 માં વૈશ્વિક સ્તરે આશરે 33 લાખ ટન ખાંડની અછતનો અંદાજ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડનો ભાવ 30 જૂને $474 પ્રતિ ટન હતો, જે વધીને 20 ઓગસ્ટે $552 પ્રતિ ટન થઈ ગયો છે. એટલે કે, બે મહિનાથી ઓછા સમયમાં તેમાં 16% થી વધુનો વધારો નોંધાયો છે.

