'પુરાવા વિના સંસ્થાઓ પર કાદવ ન ઉછાળો!' ચૂંટણી પંચ પર વિપક્ષના 'વોટ ચોરી'ના આરોપો વચ્ચે 42 પૂર્વ જજો મેદાનમાં, લખ્યો સનસનાટીપૂર્ણ પત્ર!

ચૂંટણી પંચ અને મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) અંગે ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે 42 પૂર્વ જજોએ એક પત્ર જાહેર કર્યો છે. તેમણે કોઈ પણ નક્કર પુરાવા વિના બંધારણીય સંસ્થાઓ પર આરોપ લગાવવા સામે સાવચેત કર્યા છે. પૂર્વ જજોએ જણાવ્યું કે, વારંવાર ‘વોટ ચોરી’ જેવા પાયાવિહોણા આરોપો મૂકવાથી લોકતાંત્રિક સંસ્થાઓમાં સામાન્ય લોકોનો વિશ્વાસ નબળો પડી શકે છે.
લોકશાહી ઢબે ફરિયાદ કરવાની અપીલ
પૂર્વ ન્યાયાધીશોએ બુધવારે લખેલા પત્રમાં નોંધ્યું છે કે, કોઈપણ સંસ્થાના કામકાજ સામે સવાલ ઉઠાવવો એ લોકતાંત્રિક અધિકાર છે, પરંતુ આવા આક્ષેપો કરતી વખતે પૂરતા પુરાવા હોવા જરૂરી છે. તેમણે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી છે કે, પોતાની ફરિયાદોના નિરાકરણ માટે લોકશાહી અને કાયદાકીય માર્ગ અપનાવવો જોઈએ.
SIR પ્રક્રિયાના સમર્થનમાં પૂર્વ જજોની દલીલ
પૂર્વ જજોએ ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલા SIRનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, મતદાર યાદી સુધારણાની સમગ્ર પ્રક્રિયા કાયદાના દાયરામાં રહીને જ કરવામાં આવી રહી છે. બંધારણીય સંસ્થાઓ પર સતત આધારહીન હુમલા કરવાથી દેશની ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે પ્રજાના વિશ્વાસ પર ગંભીર અસર પડી શકે છે.
મતદાર યાદી મામલે વિપક્ષના આક્ષેપો અને કોર્ટ કેસ
બીજી તરફ, વિપક્ષી દળો અને કેટલાક નાગરિક સંગઠનો SIR પ્રક્રિયા સામે સતત સવાલો ઊભા કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે આ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં મતદારોના નામ પ્રભાવિત થઈ શકે છે. આ મામલે ચૂંટણી પંચના કામકાજ અને મતદાર ડેટાને લઈને કોર્ટમાં પણ અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિપક્ષનો ઉગ્ર વિરોધ
SIR અને કથિત વોટ ચોરીના આરોપોને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષનો વિરોધ યથાવત્ છે. ગુરુવારે કોંગ્રેસ પક્ષે નવી દિલ્હીમાં મોટું વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. બુધવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષના સાંસદોએ સંસદ ભવન તરફ માર્ચ કાઢી હતી, જ્યાં પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે કેટલાક સાંસદોની અટકાયત કરી પાછળથી તેમને છોડી મૂક્યા હતા.
FIR નોંધાવા પર રાહુલ ગાંધીનો કટાક્ષ
જંતર-મંતર જવા રવાના થતાં પહેલાં રાહુલ ગાંધીએ મંગળવારે આકાશવાણી ભવન બહાર 9 કલાકથી વધુ સમય સુધી ચાલેલા ધરણા મામલે પોતાની સામે નોંધાયેલી FIR પર કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેમની સામે અગાઉથી જ 45 કેસ ચાલી રહ્યા છે અને તેમનો ‘ટાર્ગેટ 100 FIR’ સુધી પહોંચવાનો છે.

