VIDEO: "સળિયા મારી માથું ફોડી નાખવાની આપી ધમકી..." દિલ્હી TMC ઓફિસમાં તોડફોડથી હડકંપ, મહુઆ મોઇત્રાએ પોલીસ-ભાજપ પર લગાવ્યો મોટો આરોપ!
દેશની રાજધાની દિલ્હીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યાલયમાં મોડી રાત્રે થયેલી કથિત તોડફોડ અને હુમલાને લઈને રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. આ ઘટના પર તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને દિલ્હી પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે અને સમગ્ર ઘટનાને ભાજપ તથા પોલીસનું ‘સંયુક્ત મિશન’ ગણાવ્યું છે.
મહુઆ મોઇત્રાએ CCTV ફૂટેજનો સંદર્ભ આપતાં જણાવ્યું કે, "સવારે 4.30 વાગ્યાની આસપાસ લિફ્ટના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે લગભગ 20થી 25 ભાજપના કાર્યકરો મોં પર માસ્ક બાંધીને ધસી આવ્યા હતા. પરિસરમાં પ્રવેશતાં જ તેમણે પહેલા સિક્યોરિટી ગાર્ડ્સ પાસેથી તેમના મોબાઈલ ફોન ઝૂંટવી લીધા અને લાંબા લોખંડના સળિયા બતાવીને માથાં ફોડી નાખવાની ધમકી આપી હતી."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "આ ઘૂસણખોરો છઠ્ઠા અને સાતમા માળે આવેલા અમારા કાર્યાલયમાં પ્રવેશ્યા અને અંદર ભારે તોડફોડ મચાવી. અમે પોલીસને અસંખ્ય કોલ કર્યા હતા. અમારા કાર્યકરોએ તેમાંથી છ લોકોને પકડીને પોલીસને હવાલે પણ કર્યા હતા. હવે પોલીસ દાવો કરી રહી છે કે તેમણે છ લોકોની ધરપકડ કરી છે—પરંતુ તેઓ કોણ છે તે અમને ખબર નથી. અત્યારે પોલીસ અતિ-સક્રિય બનીને ઓફિસને સીલ કરી રહી છે અને અમારા જ લોકોને અટકાયતમાં લઈ રહી છે. આ ઘટના ભાજપ અને પોલીસનું પૂર્વ આયોજિત 'જોઈન્ટ મિશન' છે."
દિલ્હીમાં ટીએમસી કાર્યાલય પર થયેલી આ તોડફોડની ઘટના અને સાંસદ મહુઆ મોઇત્રાના આકરા આક્ષેપો બાદ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે રાષ્ટ્રીય સ્તરે રાજકીય ગરમાવો વધી ગયો છે.

