Delhi લિકર પોલિસી કેસમાં ED હવે કે.કવિતાના ભત્રીજા સરનની ધરપકડ કરે તેવી શક્યતા

Delhi liquor policy case : તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવના પરિવાર માટે આગામી દિવસોમાં મુશ્કેલી વધી શકે છે, કારણ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે આરોપ મૂક્યો હતો કે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે.કવિતાનો એક ભત્રીજો દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અને ગેરકાયદેસર ભંડોળ અથવા ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી આવકને ડાયવર્ટ કરવાના કેસમાં સંડોવાયેલ છે.
કેન્દ્રીય એજન્સીએ સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ-PMLA કોર્ટના ન્યાયાધીશ કાવેરી બાવેજાને જાણ કરી હતી કે ગયા અઠવાડિયે આ કેસમાં પૂછપરછ દરમિયાન BRSના નેતા કે.કવિતાના સંબંધી મેકા શ્રી સરનની ભૂમિકા પ્રકાશમાં આવ્યા બાદ તેણે શનિવારે કવિતા પર કેસ નોંધ્યો છે.
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની 46 વર્ષીય પુત્રી કવિતાની 15 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને શનિવારે તેની કસ્ટડી વધારવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે કવિતાને 26 માર્ચ સુધી એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધી છે.
કોર્ટમાં તેમની હાજરી દરમિયાન કવિતાએ પત્રકારોને કહ્યું હતું, “આ એક બનાવટી અને ખોટો કેસ છે. અમે લડી રહ્યા છીએ. ચૂંટણી દરમિયાન આટલા બધા નેતાઓની ધરપકડ કરવી ખોટું છે અને ચૂંટણી પંચે દરમિયાનગીરી કરવી જોઈએ અને દેશને ન્યાય અપાવવો જોઈએ. લોકોએ એ પણ વિચારવું જોઈએ કે ચૂંટણી દરમિયાન આટલા નેતાઓની ધરપકડ શા માટે કરવામાં આવે છે."
એજન્સીએ કવિતાની કસ્ટડી વધારવાની માંગ કરતા તેના દસ્તાવેજોને ટાંકીને કોર્ટને જણાવ્યું હતું કે તેણે 15 માર્ચે હૈદરાબાદના બંજારા હિલ્સમાં બીઆરએસ નેતા કવિતાના ઘરે સર્ચ દરમિયાન સરનનો મોબાઈલ ડિવાઈસ જપ્ત કર્યો હતો.
એજન્સીએ જણાવ્યું હતું કે છેલ્લા સાત દિવસની તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું હતું કે આ કેસની તપાસ સાથે સંબંધિત માહિતી સરન પાસે ઉપલબ્ધ છે અને તે તપાસ એજન્સીની તપાસમાં સહકાર આપી રહ્યો નથી. આવી સ્થિતિમાં, 23 માર્ચે PMLAની કલમ 17 હેઠળ તેમના પરિસર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ઈન્ડો સ્પિરિટ્સની સ્થાપના લેજિસ્લેટિવ કાઉન્સિલર કવિતા, વાયએસઆર કોંગ્રેસના સાંસદ મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડી, તેમના પુત્ર રાઘવ મગુંતા અને લિકર બિઝનેસમેન અને ઈન્ડો સ્પિરિટ્સના પ્રમોટર સમીર મહેન્દ્રુ દ્વારા કરવામાં આવી છે.
EDએ કોર્ટને સમીર મહેન્દ્રુની વધુ પૂછપરછ માટે સરન દ્વારા ગુનાની કથિત ટ્રાન્સફર/ઉપયોગની વિગતો મેળવવા અને ધરપકડ કરાયેલા નેતા કવિતાની ભૂમિકાની ખાતરી કરવા માટે તેની અરજી સ્વીકારવા પણ વિનંતી કરી હતી.EDએ અગાઉ પણ આ જ કેસમાં મહેન્દ્રુની ધરપકડ કરી હતી.
ED એ કહ્યું કે તે નોંધવું મહત્વપૂર્ણ છે કે સરન કવિતાના નજીકના સંબંધી છે અને તે 15 માર્ચે, EDના દરોડાના દિવસે પણ હાજર હતો. EDએ કોર્ટને જણાવ્યું હતું કે સરનને પૂછપરછ માટે બે વાર બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તે હાજર થયો ન હતો.

