નાસિક ધર્માંતરણ કેસ: નિદા ખાનની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી, 27 એપ્રિલે થશે આગામી સુનાવણી

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક IT કંપનીમાં થયેલા કથિત ધર્માંતરણના મામલે આજે નાસિક રોડ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કંપનીની ભૂતપૂર્વ પ્રોસેસ એસોસિયેટ અને મુખ્ય આરોપી નિદા ખાનની આગોતરા જામીન અરજી મુદ્દે કોર્ટે નિદા ખાનને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. જણાવી દઈએ કે, નિદા ખાનના વકીલ રાહુલ કાસલીવાલે એ પ્રેગ્નન્સીના આધારે વચગાળાની રાહતની માંગ કરી હતી.
નિદા ખાનના વકીલે જણાવ્યું કે આગોતરા જામીનની પ્રક્રિયામાં સમય લાગે તેમ હોવાથી વચગાળાની રાહત જરૂરી છે. આ મુદ્દે સરકારી વકીલે જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. તેમણે પુરાવા તરીકે BPO પિકનિક અને ટ્રિપ્સના કેટલાક ફોટોગ્રાફ્સ પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ ઉપરાંત સરકારી પક્ષે કોર્ટની કાર્યવાહીને ગુપ્ત રાખવાની અપીલ પણ કરી છે.
એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ
આ કેસમાં પોલીસ દ્વારા નિદા ખાન વિરુદ્ધ SC-ST (એટ્રોસિટી) એક્ટ હેઠળ પણ કલમો લગાવવામાં આવી છે. નિદાના વકીલે દલીલ કરી હતી કે સરકારી પક્ષ એટ્રોસિટી એક્ટ હેઠળ કોઈ નક્કર પુરાવા રજૂ કરી શક્યું નથી.
પોલીસની તપાસ અને દાવા
નાસિક પોલીસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધર્માંતરણના આ આખા પ્રકરણમાં નિદા ખાનની ભૂમિકા અત્યંત મહત્વની છે. પોલીસને આશંકા છે કે આ કેસમાં અન્ય ઘણા પીડિતો પણ હોઈ શકે છે, જેઓ ડર અથવા સામાજિક દબાણને કારણે સામે નથી આવી રહ્યા. કોર્ટે હવે આ મામલે જામીન અરજી પર સુનાવણીની આગામી તારીખ 27 એપ્રિલ નક્કી કરી છે. ત્યાં સુધી નિદા ખાનને કોઈ પણ પ્રકારની રાહત મળી નથી.

