VIDEO: બિહારના સમસ્તીપુરમાં VVPAT સ્લિપ કચરામાંથી મળતાં વિવાદ, ચૂંટણીપંચે અધિકારીને કર્યા સસ્પેન્ડ

બિહાર વિધાનસભા ચૂંટણી ક્ષેત્રોમાં જ્યાં મતદાન થઈ ચૂક્યું છે, ત્યાં સ્ટ્રોંગ રૂમની સુરક્ષા અને EVM મશીનોની જાળવણી માટે મોટી સંખ્યામાં લોકો તૈનાત છે. જેમાં પોલીસ કર્મચારીઓ અને પક્ષના કાર્યકરોનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન સમસ્તીપુરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા કે સરૈરંજન વિધાનસભા ક્ષેત્રના શીતળપટ્ટી ગામ પાસે કચરામાં હજારો VVPAT સ્લિપ ફેંકેલી હાલતમાં જોવા મળી હતી.
RJDએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને આરોપ લગાવ્યો કે, આ વીડિયો સમસ્તીપુરના સરૈરંજન વિધાનસભા ક્ષેત્રનો છે. સમસ્તીપુરના સરૈરંજન વિધાનસભા ક્ષેત્રમાં KSR કોલેજ પાસે રસ્તા પર EVMમાંથી મોટી સંખ્યામાં VVPAT સ્લિપ ફેંકવામાં આવી હતી. આ સ્લિપ ક્યારે, કેવી રીતે અને શા માટે ફેંકવામાં આવી? શું કમિશન આનો જવાબ આપશે? શું આ લોકશાહીના લૂંટારા જે બહારથી આવ્યો છે અને બિહારમાં કેમ્પ કરી રહ્યો છે તેના ઈશારે થઈ રહ્યું છે?
જણાવી દઈએ કે, 6 નવેમ્બરે આ વિધાનસભા ક્ષેત્ર માટે મતદાન કરવામાં આવ્યું હતું. મતદાનના બે દિવસ બાદ શીતલપટ્ટી ગામમાં VVPAT ની વોટિંગ સ્લિપ કચરામાંથી મળી આવી હતી. આનાથી ચૂંટણી પંચ પર સવાલો ઉભા થયા છે. વિવાદ વધતાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચીને આ બાબતે તપાસ કરવાની ખાત્રી આપી છે.
આ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું છે કે, સમસ્તીપુરના જિલ્લા મેજિસ્ટ્રેટને આ મામલે તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મોક પોલની VVPAT સ્લિપ છે, જે મતદાન પ્રક્રિયાની અખંડિતતા સુનિશ્ચિત કરે છે. જિલ્લા મેજિસ્ટ્રેટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને પણ જાણ કરી છે. જો કે, સંબંધિત AROની લાપરવાહી બદલ સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે અને FIR દાખલ કરવામાં આવી રહી છે.

