VIDEO: રાહુલ ગાંધી વિરુદ્ધ ષડયંત્ર રચનારા ગયા? ભાજપ સંગઠનના ફેરફાર પર મુમતાઝ પટેલના પ્રહાર
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા નવા રાષ્ટ્રીય હોદ્દેદારોની ટીમની જાહેરાત કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ખાસ કરીને આઈટી સેલના પૂર્વ વડા અમિત માલવિયાની વિદાયને યોગ્ય ગણાવતા ભાજપની રાજનીતિ પર પ્રહારો કર્યા છે.
અમિત માલવિયાની હકાલપટ્ટી પર આપી પ્રતિક્રિયા
મુમતાઝ પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, "આ સમગ્ર ફેરફારમાં સૌથી આવકારદાયક બાબત અમિત માલવિયાને હટાવવાની છે. એક એવો વ્યક્તિ જેણે પોતાના IT સેલ મારફતે સમગ્ર દેશમાં કોંગ્રેસ વિરુદ્ધ એકલા હાથે નફરત ફેલાવી, રાહુલ ગાંધી વિરુદ્ધ ષડયંત્રો અને ખોટો પ્રચાર ચલાવ્યો તેમજ અફવાઓ અને ખોટી માહિતી ફેલાવવાનું કામ કર્યું. તેમનું જવું એકદમ યોગ્ય અને જરૂરી હતું."
નવી ટીમ અને ભાજપની વિચારધારા સામે ચેતવણી
નવી ટીમ અંગે વાત કરતાં મુમતાઝ પટેલે ઉમેર્યું હતું કે, સાચા સમર્પણ સાથે કામ કરવું એ અલગ બાબત છે, પરંતુ જો નવી ટીમ પણ જૂની સિસ્ટમ મુજબ વોટ-બેંકનું રાજકારણ અને નફરત ફેલાવવાની નીતિ જ ચાલુ રાખશે, તો દેશની જનતા હવે ફરીથી ભ્રમિત નહીં થાય અને છેતરાશે નહીં.

